રાજકોટ: ઓડી કાર ચાલકે દોઢ વર્ષના બાળકને કચડીને થઈ ગયો ફરાર 

રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં એક કંપાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ચાલકે માતા-પિતાની નજર સામે તેના દોઢ વર્ષના બાળકને કચડી નાખ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ઓડી કારનો ચાલક બાળકને કચડી નાખે છે અને ત્યાંથી ભાગી જાય છે.

આ ઘટનાની જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક શાકભાજીની રેંકડી રાખી વેપાર કરતાં જગદીશભાઈ સુરેલા તેની પત્ની અને દોઢ વર્ષના દીકરા વંશ સાથે આજે પણ સવારે વેપાર કરી રહ્યા હતા. શાકભાજીના થડે ઊભેલા માતા-પિતા ધંધામાં વ્યસ્ત હતા તે સમયે વંશ રેંકડી નજીક રમી રહ્યો હતો. આ સમયે અચાનક એક ઓડી કાર વંશને ઠોકરે લઈ લે છે અને એટલું જ નહીં તેને કચડી નાખે છે. જાણવા મળેલ છે કે ઘટના સમયે કાર ચાલક ફોનમાં વાત કરવામાં વ્યસ્ત હતો. તેણે બાળકને અડફેટે લીધું અને કાર રોકવાને બદલે બાળકને કાર નીચે કચડી ત્યાંથી ભાગી જાય છે.

બાળક કાર નીચે કચડાયું હોવાનું જાણી તેના માતા-પિતા તુરંત બાળક પાસે પહોંચે છે. બાળક આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયું હતું અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ભક્તિનગર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો …

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •