સૌરાષ્ટ્ર

રાજકોટ રેલવે RPFની ‘ઓલરાઉન્ડ’ કામગીરી: ફેબ્રુઆરીમાં 10 ચોર ઝડપાયા, 5 બાળકોનું પરિવાર સાથે મિલન કરાવાયું

‘સેવા હી સંકલ્પ’: મુસાફરોનો ₹2.35 લાખનો સામાન પરત અપાવ્યો, ચેન પુલિંગ કરનારા 21 શખ્સો સામે કડક કાર્યવાહી

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ફેબ્રુઆરી મહિનામાં મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિના રક્ષણ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આઈજી અજય સદાની અને ડિવિઝનલ સુરક્ષા આયુક્ત કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ RPFની ટીમે ગુનાખોરી ડામવા અને માનવીય અભિગમ દાખવવામાં મોટી સફળતા મેળવી છે.

ચોરી અને ચેન પુલિંગ સામે લાલ આંખ
રેલવેની સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવેલા ‘ઓપરેશન રેલ સુરક્ષા’ હેઠળ રેલવે પ્રોપર્ટીની ચોરી કરનારા 10 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રેનોને બિનજરૂરી રોકીને મુસાફરોનો સમય બગાડતા 21 ચેન પુલિંગ કરનારાઓ સામે પણ પોલીસે સકંજો કસ્યો છે. ટ્રેનો પર પથ્થરમારો કરનારા એક શખ્સને પણ દબોચી લેવામાં આવ્યો છે.

ઓપરેશન અમાનત અને નન્હે ફરિશ્તે: માનવીય ચહેરો
RPF એ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે:
ઓપરેશન અમાનત: મુસાફરી દરમિયાન ભુલાઈ ગયેલા 27 મુસાફરોનો ₹2,35,867ની કિંમતનો સામાન શોધીને તેમને સુરક્ષિત પરત સોંપવામાં આવ્યો હતો.
ઓપરેશન નન્હે ફરિશ્તે: રેલવે પરિસરમાંથી વિખૂટા પડેલા 5 બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેમના પરિવાર સાથે મિલાવ્યા હતા.
ઓપરેશન ડિગ્નિટી: પરિવારથી અલગ થયેલા અન્ય 2 વ્યક્તિઓનું પણ પુનઃસ્થાપન કરાવ્યું હતું.

જનજાગૃતિ દ્વારા સુરક્ષાનો સંદેશ
RPF દ્વારા માત્ર ગુનેગારોને પકડવા પૂરતું મર્યાદિત ન રહેતા, ‘ઓપરેશન જનજાગરણ’ હેઠળ ગ્રામ સરપંચો સાથે બેઠકો અને સ્ટેશનો પર જાહેરાતો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. જેમાં ટ્રેક પાર ન કરવા, પથ્થરમારો ન કરવો અને નશાખોરીથી દૂર રહેવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અધિકારીઓની પ્રશંસા
રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ RPF ટીમની આ બહુપક્ષીય કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિનું રક્ષણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ટીમ આ માટે સતત પ્રતિબદ્ધ છે.

આ સમાચારને શેર કરો