રાજકોટના રૈયાધારમાં ‘હાંડા ગેંગ’નો આતંક: મધરાતે ધોકા-પાઇપ ઉડ્યા, કારમાં તોડફોડ
જૂની અદાવતમાં 3-4 લોકોને નિશાન બનાવી હુમલો, ગંભીર ઈજાઓ થતાં પોલીસના ધાડેધાડા ઉતારાયા
રાજકોટ: રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ રાણીમા રૂડીમાં ચોક ખાતે મોડી રાત્રે કુખ્યાત હાંડા ગેંગે આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ગેંગના સભ્યોએ ધોકા અને પાઇપ જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી ત્રણથી ચાર લોકોને નિશાન બનાવ્યા હતા, જેને પગલે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલાખોરોએ માત્ર હુમલો જ નહીં, પરંતુ ત્યાં પાર્ક કરેલી કારના કાચ પણ તોડી નાંખ્યા હતા. અચાનક થયેલી આ હિંસક ઘટનાને કારણે વિસ્તારમાં તણાવજનક સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે:
હુમલાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસના ધાડેધાડા રૈયાધાર વિસ્તારમાં દોડી આવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને વિસ્તારમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
જૂની અદાવત જવાબદાર:
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હિંસક હુમલા પાછળ બે દિવસ અગાઉ ગેંગના કેટલાક લોકો વચ્ચે થયેલી માથાકૂટ એટલે કે જૂની અદાવત જવાબદાર છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને આરોપીઓની શોધખોળ આદરી છે. આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કૉલ રેકોર્ડ અને ટેક્નિકલ સુત્રોની મદદ લઈ રહી છે.


