ગુનેગારોની હવા નીકળી ગઈ: રાજકોટ પોલીસે હાંડા ગેંગને ‘પરેડ’ કરાવી, રંગદારોની બે હાથ જોડી માફી માગી !
રાજકોટ: રાત્રે ઘાતક હથિયારો વડે હિંસા ફેલાવી વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત હાંડા ગેંગના સભ્યોની હવા બીજા જ દિવસે નીકળી ગઈ ! રાજકોટની યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં ગેંગના તમામ સભ્યોને ઝડપી પાડી, તેમને જાહેરમાં વરઘોડો કાઢીને કાયદાનું કડક ભાન કરાવ્યું હતું. રૈયાધાર વિસ્તારમાં રાણીમા રૂડીમાં ચોક ખાતે જૂની અદાવતના કારણે મોડી રાત્રે હાંડા ગેંગે ધોકા-પાઇપ વડે ત્રણથી ચાર લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા અને કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાએ વિસ્તારના લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી.
પોલીસનું એક્શન: આતંક મચાવનારની હાલત કફોડી
રાત્રે જ પોલીસના ધાડેધાડા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી હુમલાખોરોને ઝડપી પાડ્યા. સૌથી મહત્વની બાબત એ હતી કે પોલીસે આ રંગદારોને પાઠ ભણાવવા માટે તેમને ગુનાના સ્થળે પાછા લાવીને જાહેરમાં ચલાવ્યા. આ સમયે આરોપીઓની હાલત જોવા જેવી હતી. રાત્રે હથિયાર લઈને ફરનારા આ ગુંડાઓ પોલીસના સકંજામાં આવ્યા બાદ માંડ માંડ ચાલી શકતા હતા અને લંગડાતા લંગડાતા ચાલી રહ્યા હતા. દહેશત ફેલાવનાર આરોપીઓએ ત્યાં ભેગા થયેલા લોકોની બે હાથ જોડીને માફી માંગી હતી. આરોપીઓનો આ હાલ જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
સંદેશ સ્પષ્ટ: ગુંડાગીરી ચલાવી નહીં લેવાય
પોલીસે આ ઘટના દ્વારા શહેરના અન્ય ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજકોટમાં દાદાગીરી કરનારાઓને કાયદાનું ગજું બતાવાશે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ હુમલા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
