સૌરાષ્ટ્ર

રાજકોટનો લોકમેળો વરસાદને કારણે રદ, સ્ટોલધારકોને 100% રકમ પરત અપાશે.

રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા શહેર-1 પ્રાંત અધિકારી ચાંદની પરમારે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 24 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવ્યો હતો. પરંતુ પ્રવર્તમાન સમયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી છે. આથી લોકોની સલામતીના હેતુસર આજે 27મી ઓગસ્ટથી ધરોહર લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આશરે રૂપિયા 2 કરોડ જેવો ખર્ચો થયો છે

લોકમેળાના આયોજન માટે મંડપ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ તથા અન્ય ખર્ચાઓ મળીને કુલ મળીને આશરે રૂપિયા 2 કરોડ જેવો ખર્ચો થયો છે. જેની દરકાર કર્યા વિના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉદાર નિર્ણય મુજબ, સ્ટોલધારકોએ ભરેલી ભાડાની 100 ટકા રકમ તથા ડિપોઝિટની 100 ટકા રકમ લોક હિતમાં પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળામાં 31 મોટી રાઈડ્સ સહિત 235 જેટલાં સ્ટોલ અને પ્લોટ્સ આવેલા હતા. જો કે, વરસાદને કારણે વેપાર ન થતાં તમામ સ્ટોલધારકોને તેને ચૂકવેલી 100 ટકા રકમ પરત આપી દેવામા આવશે.

મુખ્યમંત્રી દ્વારા લોકહિતને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવાનો આદેશ આપતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આજથી મેળો કેન્સલ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. રાજકોટમાં વર્ષો બાદ એવું પ્રથમ વખત બન્યું છે કે, વરસાદને કારણે મેળો રદ કરવો પડ્યો હોય.

આ સમાચારને શેર કરો