લોકમેળાની તૈયારીઓને આખરીઓપ : ગુરૂવારથી પાંચ દિ’ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનો જલ્સો
રાજકોટ: રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતી દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત જન્માષ્ટમીના પાંચ દિવસીય શૌર્યનું સિંદૂર લોકમેળાની તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવેલ છે. આ લોકમેળો ગુરૂવારે સાંજે જિલ્લાના પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાતા જ લોકોના મનોરંજન માટે પાંચ દિવસ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો જમાવટ કરશે.
લોકમેળામાં લોકોના મનોરંજન માટે બપોરના 3-45થી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે.જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે. લોકમેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14મી ઓગસ્ટે રાજુભાઈ ગઢવીનો ડાયરો, ભારતીય હુડો રાસ મંડળ દ્વારા હુડો રાસ, નવધા ટ્રસ્ટ દ્વારા લોકનૃત્ય, બજરંગ યુવા મંડળ દ્વારા ડાંડિયા રાસ, ટિપ્પણી લોકનૃત્ય મંડળ દ્વારા ટિપ્પણી રાસ રજૂ થશે. સાંજે 7.30થી 10 દરમિયાન અઘોરી ગ્રૂપ દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવશે.
15મી ઓગસ્ટે બપોરે 3.45થી સાંજે 7 દરમિયાન વિવેક ઉપાધ્યાય તથા માલવ મારૂ દ્વારા ગુજરાતી ગીતોની કોન્સર્ટ, મધુરમ મ્યુઝિક ગૃપ દ્વારા તબલા-હાર્મોનિયમ, નટવરી ગૃપ દ્વારા ગણેશ વંદના, હર્ષાબેન ઠક્કર દ્વારા સેમિ ક્લાસિકલ, અરવિંદ રાવલ તથા પંકજ પ્રજાપતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા જીતેન વિઠલાણી ગૃપ દ્વારા ગરબો રજૂ કરવામાં આવશે. સાંજે 7.30થી અલ્પાબેન પટેલનો મુખ્ય કાર્યક્રમ રજૂ થશે. તેમજ 16મી ઓગસ્ટે બપોરે 3.45થી 7 દરમિયાન રેખાબેન પરમાર ગૃપ દ્વારા ગુજરાતી ગીતો, રમેશભાઈ વ્યાસ દ્વારા ડાયરો, તુષાર મારુ દ્વારા પિયાનો, શીતલબેન અજાગિયા દ્વારા કીબોર્ડ, તીર્થ અજાગિયા દ્વારા ભજન, તાંડવ નૃત્ય એેકેડમી દ્વારા શિવ સ્તુતિ, જીજ્ઞેશ સુરાણી દ્વારા મિશ્ર રાસ, માલાબેન રાઠોડ ગૃપ દ્વારા સેમિ ક્લાસિકલ તથા પ્રજાપતિ ગૃપ દ્વારા સોલો ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવશે. જ્યારે સાંજે અમદાવાદનું રૂજુ જાદવ ગૃપ રંગત જમાવશે.
17મી ઓગસ્ટે બપોરથી સાંજ સુધી મૌલિક વ્યાસ દ્વારા મેઘાણીનાં ગીતો, શ્યામ મકવાણા તથા અરવિંદ બગથરિયા દ્વારા દેશભક્તિ ગીતો, ક્રિષ્નાબેન સુરાણી દ્વારા નાગદમન, નામ બ્રહ્મ ગૃપ દ્વારા માખણચોરી, નીખીલભાઈ એન્ડ ગૃપ દ્વારા કૃષ્ણ લીલા, સ્પંદન ગૃપ દ્વારા રાજસ્થાની નૃત્ય તથા અરવિંદ રાવલ દ્વારા સોલો ડાન્સ રજૂ કરવામાં આવશે. સાંજે રાજદાન ગઢવી વિવિધ પ્રસ્તુતિઓ થકી રમઝટ બોલાવશે.
18મી ઓગસ્ટે બપોર પછી સિનિયર સિટિઝન ગૃપ દ્વારા જૂના ગીતો, ભરતદાન ગઢવી દ્વારા ડાયરો, સ્વર સંગીત એકેડમી દ્વારા શિવસ્તુતિ, શંખનાદ એકેડમી દ્વારા સેમિ ક્લાસિકલ, વિરંચી બુચ ગૃપ દ્વારા અર્વાચીન ગરબો તથા શ્રી વૃંદ ગૃપ દ્વારા પ્રાચીન ગરબો રજૂ કરાશે. જ્યારે સાંજે કચ્છના અનિરુદ્ધ આહીરનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.
આ લોકમેળામાં કુલ 24 જેટલા વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જેના પરથી સમગ્ર મેળા ઉપર બાજ નજર રાખવામાં આવશે. જેમાં 18 વોચ ટાવર પર પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. જયારે સેન્સેટીવ જગ્યા પર અન્ય પાંચ વોચ ટાવરમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડના જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની સુચના મળે કે તરત જ જવાનો જે તે જગ્યા ઉપર પહોંચી જશે.
મેળામાં આ વખતે ક્રાઉડ કંટ્રોલ માટે સૌ પ્રથમવાર એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. તેની સાથોસાથ ડ્રોન મારફતે પણ ક્રાઉડ કંટ્રોલ માટે પગલા લેવાશે. મેળામાં મુખ્ય ચાર ગેઈટ સાથે પાંચ ઈમરજન્સી ગેઈટ પણ ઉભા કરવામાં આવ્યા છે જેથી કરીને દુર્ઘટના ઘટે તો તાબડતોબ દુર્ઘટના સ્થળ પર પહોંચી શકાય.
આ ઉપરાંત લોકમેળામાં ફરજ તૈનાત અધિકારીઓને વોકીટોકી પણ આપવામાં આવશે જેથી એક બીજા સાથે ઝડપથી કોમ્યુનીકેશન થઈ શકે. લોકમેળાને માણવા આવનાર લોકોના વાહનોના પાર્કિંગ માટે 17 જગ્યાઓ પર પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે જેમાં વાહનો પાર્ક કરનારને અલગ અલગ કલરવાળી રીસીપ્ટ આપવામાં આવશે જેથી કરીને વાહન ચોરીના બનાવો અટકાવી શકાય.
લોકમેળામાં 90 કિલો વોટના 17 વીજ ટ્રાન્સફોર્મરમાંથી વીજ પુરવઠો પુરા પાડવામાં આવશે જેમાં છ વીજ ટ્રાન્સફોર્મર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. મેળામાં ચાર ફીડરમાંથી વિજ પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત અન્ડગ્રાઉન્ડ કેબલ પાથરી દેવામાં આવેલ છે. મેળાના ગ્રાઉન્ડમાં સ્ટ્રીટલાઈટ જનરેટર સેટથી ચલાવવામાં આવશે. મેળાના બાકી રહેલા સ્ટોલમાંથી ગીરગંગા ટ્રસ્ટી, રા.મ્યુ.કો. સેવા સહાય જુથ, ગ્રાહક સેવા, સહિતની સામાજીક સંસ્થાઓને 12 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.
મેળામાં 14 જેટલી રાઈડસનું માર્ગ મકાન વિભાગ યાંત્રિક વિભાગ અને જામનગરની ટીમ દ્વારા અંતિમ નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ ફીટનેસ સર્ટીફીકેટ આપવામાં આવશે. આ મેળા માટે કલેકટર તંત્ર દ્વારા 108 જેટલા કર્મચારીઓને ફરજ પર તૈનાતીના ઓર્ડરો ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. મેળા દરમ્યાન મુલાકાતીઓની સંખ્યા વધી જાય તો જરૂર પડયે લોકોની એન્ટ્રી બંધ કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
મેળાની ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટે 70થી વધુ સીસીટીવી કેમેરા ફીટ કરી દેવામાં આવેલ છે. લોકોની સલામતી માટે 1750 જેટલા પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે. આ ઉપરાંત લોકમેળામાં છેડતીના બનાવો ન બને તે માટે એન્ટી રોમીયો સ્કવોડ પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરશે. લોકમેળાના ગ્રાઉન્ડને આવતીકાલે કલેકટર ડો.ઓમપ્રકાશ, પ્રાંત અધિકારી ડો.ચાંદનીબેન પરમાર, માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના અધિકારીઓની ટીમ સ્થળ તપાસ કરનાર છે.
આમ આ ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળો પ્રારંભ થવાના આડે ફકત ગણત્રીના કલાકો જ બાકી રહ્યા હોય મેળાની તમામ તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવેલ છે.

