Placeholder canvas

રાજકોટ: નવા બસ સ્ટેન્ડનું 25મી જાન્યુઆરીએ લોકાર્પણ

રાજકોટ: ઢેબર રોડ ઉપર આવેલ જુના બસ સ્ટેન્ડની જગ્યાએ છેલ્લા દોઢથી બે વર્ષથી નવા અને અદ્યતન પ્રકારના બસ પોર્ટને ઉભુ કરવામાં આવી રહ્યું છે. એસટી તંત્ર દ્વારા પીપીપી ધોરણે રૂા.154 કરોડના ખર્ચે આ અદ્યતન બસપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બસપોર્ટનું રાજકોટ ખાતે આવતા મહિને યોજાઈ રહેલ રાજય કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીના કાર્યક્રમોમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. સંભવત: આગામી તા.25ના રોજ આ બસ પોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવાનું આયોજન ઘડાયું છે.

બસ સ્ટેન્ડનું બાકીનું કામ હાલ પુરજોશમાં અને 24 કલાક કરવામાં આવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રકચર પાર્ટી દ્વારા વધારાના માણસો અને મશીનરી લગાડી આ કામ હાલ કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન આજરોજ આ કામ કેટલે પહોંચ્યુ તેનું ઈન્સ્પેકશન અને નિરીક્ષણ કરવા માટે આજરોજ ખાસ એસટી નિગમની વડી કચેરી ખાતેથી એસટી નિગમના જનરલ મેનેજર વડા સહિતના અધિકારીઓ આજરોજ રાજકોટ આવી પહોંચ્યા હતા.

નવા બસપોર્ટનું લગભગ 70 ટકાથી વધુ કામ થઈ ગયું છે. અને આવતા વિશેક દિવસની અંદર આ કામ સંપન્ન થઈ જાય તેવી શકયતા છે. હાલમાં બસ સ્ટેન્ડ ખાતે બસોના 22 જેટલા પ્લેટફોર્મ તૈયાર થઈ ગયા છે. હાલ બસના પાર્કીંગના એરીયામાં આરસીસીનું કામ પણ પૂર્ણ થઈ ગયુ છે. અને ટાઈલ્સનું કામ પણ પૂરૂ થઈ ગયુ છે. હાલ પ્લેટફોર્મના પ્લોરીંગનું કામ ચાલી રહ્યું છે.

આ બસપોર્ટના ચાર માળ પૈકી એસટીના બસ સ્ટેન્ડનું કામ આવતા મહિનાની 20 તારીખ સુધીમાં પૂર્ણ કરી અને લોકાર્પણ માટે તૈયાર કરવાનું આયોજન છે. જોકે બસ સ્ટેન્ડનું સંપૂર્ણ કોમર્શીયલ કામ વિગેરે પૂર્ણ થતા હજુ બે ત્રણ મહિના નીકળી જાય તેમ છે. એવી વિગતો પણ પ્રાપ્ત થાય છે કે તા.25મીએ નવા બસપોર્ટનું લોકાર્પણ કરાયા બાદ શરૂઆતમાં આ બસપોર્ટ ઉપરથી વોલ્વો અને એકસપ્રેસ બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવનાર છે. જયારે લોકલ બસો હાલ શાસ્ત્રીમેદાન ખાતેના હંગામી બસસ્ટેન્ડ ખાતેથી ઉપાડવામાં આવશે.

આ સમાચારને શેર કરો