સૌરાષ્ટ્ર

લક્ષ્મીનગર મેઇન રોડ પર બે લાખની ઉઘરાણી મુદ્દે દંપતી સહિત ચારનો છરીથી હુમલો

રાજકોટ: લક્ષ્મીનગર મેઇન રોડ પર દિવાળીની રાતે લક્ષ્મીવાડીમાં રહેતા સુધીર બોરીચા, વિપુલ બોરીચા, જતિન બોરીચા અને વિપુલની પત્ની જયશ્રીએ બે યુવાન પર છરી, ધોકાથી હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. બે લાખની ઉઘરાણી મુદ્દે બંને યુવાન પર હુમલો થયાનું તપાસમાં ખુલ્યું છે.

લક્ષ્મીવાડી, લક્ષ્મીપાર્ક-11માં રહેતા અને પાનની દુકાન ધરાવતા મીત બિપીનભાઇ હરખાણી નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાતે દસ વાગ્યે પોતે મિત્ર રવિરાજસિંહ ભરતસિંહ જાડેજાને બાઇક પર મૂકવા જતો હતો. ત્યારે લક્ષ્મીનગર મેઇન પરથી પસાર થતા સુધીર સહિતના શખ્સોએ ઊભા રાખ્યા હતા.

અને તને મારા ઘર પાસેથી નીકળવાની ના પાડી છે તેમ છતાં તું આ રસ્તા પરથી કેમ પસાર થાય છે તેમ કહી મહિલા સહિતનાઓએ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. જેથી ગાળો દેવાની ના પાડતા તેઓએ ધોકા અને છરીથી હુમલો કરી માર મારતા પોતે લોહીલુહાણ થઇ ગયો હતો. આ સમયે મિત્ર રવિરાજસિંહ પોતાને છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો.

બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થતા ચારેય હવે તું બચી ગયો છે હવે અહીંથી પસાર થઇશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યાં હતાં. હુમલાથી ઇજા થતા સારવાર માટે મિત્ર રવિરાજસિંહ ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો. પોલીસ પૂછપરછમાં ઇજાગ્રસ્ત યુવાને જણાવ્યું કે, તેના મોટાબાપુએ પાંચ વર્ષ પહેલા સુધીર બોરીચા પાસેથી વ્યાજે સાત લાખ લીધા હતા. જે પેટે પાંચ લાખ રૂપિયા આપી દીધા હતા. બે લાખ તેને આપવાના બાકી હોય તેનો ખાર રાખી હુમલો કર્યો હતો.

આ સમાચારને શેર કરો