Placeholder canvas

રાજકોટ: ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રકની ઠોકરે રોડ ક્રોસ કરતા મુળીના આધેડનું મોત

રાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડી પાસે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં વ્હેલી સવારે રોડ ક્રોસ કરતાં મુળીના લાલજીભાઈ નામના આધેડનું અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજયું હતું. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ બનાવની મળેલ માહિતી મુજબ મુળીના રામપરા ગામે રહેતા લાલજીભાઈ ખીમજીભાઈ વાઘેલા (ઉ.વ.50) ગતરોજ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતી બહેનની ઘરે આંટો મારવા આવ્યા હતા. આજે વ્હેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પોતાના ગામ જવા માટે ગ્રીનલેન્ડ ચોકડીમાં રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતાં ફુટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં. ઘટના સ્થળે લોકો એકઠા થઈ જતા ઈજાગ્રસ્તને સારવારમાં 108 મારફતે સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતાં જયાં ટુંકી સારવારમાં તેનું મોત નિપજયું હતું.

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ.માં ખસેડી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મૃતક સાત ભાઈ-બહેનમાં વચ્ચેટ અને સંતાનમાં ચાર પુત્રી એક પુત્ર છે તેમજ મૃતક માનસીક અસ્વસ્થ હોવાનું પરિવારે જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.

આ સમાચારને શેર કરો