રાજકોટ:હઝરત ગૈબનશાહ પીરનો ઉર્ષ મુબારક આગામી તા.15અને16 બે દિવસ શાનોશૌકતથી ઉજવાશે.
રાજકોટ : સૌરાષ્ટ્રના શહેનશાહ અને કોમી એકતાના પ્રતિક સમા હઝરત ગૈબનશાહ પીર રહેમતુલ્લાહ અલેયહનો ઉર્ષ મુબારક રાબેતા મુજબ મુસ્લિમ ચાંદ 14 અને 15 રજબ તેમજ અં.તા. 15 અને 16 જાન્યુઆરી 2025, બુધવાર અને ગુરૂવારના રોજ શાનો શૌકતથી મનાવવામાં આવશે. આ ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે રાત્રે 8 કલાકે રાષ્ટ્રીય કોમી એકતા સમારોહનું આયોજન પીરે તરીકત સૈયદ સરકાર અહેમદ મુનીરબાપુ (સાવરકુંડલા)ના પ્રમુખ સ્થાને યોજવામાં આવશે.
જેમાં તમામ ધર્મોના વડાઓ પોતાના ધર્મનું પ્રવચન આપશે. ત્યારબાદ ખાનકાહે અશરફીયા જાઇસ શરીફના સજ્જાદાનશીન ગાઝી એ ઇસ્લામ પીરે તરીકત મૌલાના સલમાન અશરફ અશરફી સાહબ પોતાની જોશીલી મુબારક ઝબાનથી તકરીર ફરમાવશે તેમજ ઉર્ષ મુબારકના બીજા દિવસે બાદ નમાજે ઇશા બાદ નાત શરીફ તેમજ હઝરત મૌલાના કાતીબ અહેમદ સાહબ (રાજસ્થાન)ની શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખેલ છે.
ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે વહેલી સવારે સૈયદ સાદાતના મુબારક હાથે સંદલ ચડાવવામાં આવશે તેમજ બપોરે 3 કલાકે નહેરૂનગર, રૈયા રોડ વિસ્તારમાંથી હાજી બસીરબાપુ બુખારીની આગેવાનીમાં સંદલ ઝુલુસ નીકળશે અને દરગાહ શરીફ પહોંચશે.
ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે બાદ નમાજ મગરીબ ભાટીયા બોર્ડીંગ ગ્રાઉન્ડમાં વેજીટેબલ ન્યાઝ (પ્રસાદ)નું ખાસ આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ હિન્દુ મુસ્લિમ તેમજ દરેક સમાજના લોકોને ખાસ આમંત્રણ આપવામાં આવે છે.

