રાજકોટ ડેરીની મોટી જાહેરાત : 52 હજારથી વધુ પશુપાલકોના ખાતામાં રૂ.75 કરોડ જમા

રાજકોટ: રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન સંઘ દ્વારા થયેલા નફામાંથી તહેવારો અને ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને સંઘ સાથે જોડાયેલી 761 દૂધ મંડળીઓના 52 હજારથી વધુ પશુપાલકોને સીધો આર્થિક લાભ આપવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટ રૂ.8.84ના દરે કુલ રૂ.75 કરોડની રકમ પશુપાલકોના બેંક ખાતામાં ડાયરેક્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી છે. અંતિમ દૂધ ભાવ પેટે એકસાથે આટલી મોટી રકમ ખાતામાં જમા થતાં પશુપાલક પરિવારોને સીધી આર્થિક રાહત મળી છે.
સંઘ સાથે જોડાયેલી 761 દૂધ મંડળીઓ મારફતે દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા પશુપાલકોને આ ચુકવણીનો લાભ મળ્યો છે. ખાસ કરીને તહેવારોના સમયગાળા દરમિયાન પશુપાલકોના ખાતામાં સીધી રકમ પહોંચાડવામાં આવતા તેમના આર્થિક આયોજનમાં મદદરૂપ થશે.

રૂ.1,185 કરોડનું રેકોર્ડ ટર્નઓવર
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે વર્ષ 2025-26 દરમિયાન રૂ.1,185 કરોડનું રેકોર્ડબ્રેક ટર્નઓવર નોંધાવ્યું છે. સંઘના આ વ્યવસાયિક પ્રદર્શન સાથે નફામાંથી પશુપાલકોને સીધો હિસ્સો આપવાના નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને અંતિમ દૂધ ભાવ પેટે રૂ.75 કરોડની ચૂકવણી કરવામાં આવતા સંઘ સાથે જોડાયેલા હજારો પશુપાલક પરિવારોને સીધો લાભ મળ્યો છે.

આ સમાચાર શેર કરો

Follow Us on