રાજકોટ : કોરોના પોઝિટિવ દર્દીએ સિવિલ હૉસ્પિટલની ખોલી પોલ…

રાજકોટ : દેશ-દુનિયા સહિત રાજકોટ શહેરમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર પણ આ વાયરસને નાથવાના તનતોડ પ્રયાસ કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરની સરકારી હૉસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.

સતત ત્રણ-ત્રણ દિવસ સુધી ધક્કા ખાઈને અનેક પ્રયાસો બાદ પણ યોગ્ય જવાબ ન મળતા એક વ્યક્તિ ખાનગી હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં તેને કોરોના હોવાનું સામે આવ્યું છે. આ રીતે કોરોનાના પોઝિટિવ દર્દીએ સિવિલ હૉસ્પિટલની પોલ છતી કરી છે. ત્યારે તંત્ર દ્વારા જવાબદારો સામે ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે તે જોવું મહત્વ રહેશે.

આ યુવાન થોડા દિવસો પહેલા દુબઈથી આવ્યો હતો અને 21 માર્ચે તબિયત લથડતા સિવિલ હૉસ્પિટલ પહોંચ્યો હતો. સિવિલ ખાતે તેણે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની વાત પણ જણાવી હતી. જેને પગલે ફરજ પરના તબીબોએ છાતીનો રિપોર્ટ કર્યો હતો. જોકે, ડૉક્ટરોએ દાખલ થવાની સલાહ પણ આપી ન હતી. બાદમાં ગઈકાલે તબિયત બગડતા દર્દી શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં ગયો હતો. જ્યાં યુવકને કોરોના હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, યુવાન દુબઈથી મુંબઈ આવ્યો હતો. જોકે, આ યુવક મુંબઈથી રાજકોટ સુધી ટ્રેનમાં આવ્યો છે કે વિમાન મારફતે તે અંગે તંત્રને હજુ સુધી જાણ નથી. આ ઉપરાંત પોઝિટિવ આવેલી અન્ય મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પણ તંત્ર પાસે હાલ કોઈ જવાબ નથી. તંત્રના આવા વલણથી કોરોના જેવા રાક્ષસને કેમ હરાવી શકાશે તેવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે.

આ સમાચારને શેર કરો