skip to content

રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ફરજ અને તબીબી ધર્મ બન્ને ચૂક્યા

નિરાધાર વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે તબીબે સ્ટ્રેચરમાં પીએમ રૂમ પાસે લઈ જઈને રેઢા મુકી દીધાં…!!!

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગુરૂવારે રાત્રીના દશેક વાગ્યે એક 108 એમ્બ્યુલન્સ આવી હતી તેમાંથી એક વૃદ્ધાને બેભાન હાલતમાં નીચે ઉતારી ઇમરજન્સી રૂમમાં લઇ જવાયા હતા, વૃદ્ધાના હાથમાં સડો થઇ ગયો હતો, ફરજ પરના તબીબે વૃદ્ધાને જોઇ તપાસી સર્જરી વોર્ડમાં દાખલ કરવાનું કેસ પેપરમાં લખી દીધું હતું, વૃદ્ધા સર્જરી વોર્ડમાં દાખલ હોવાનું સરકારી ચોપડે નોંધાઇ ગયું હતું.

ઇમરજન્સી વિભાગ પાસે જ આવેલા હેલ્પ ડેસ્કના સ્ટાફે તેમની ફરજના ભાગરૂપે શુક્રવારે સવારે નવેક વાગ્યે અજાણ્યા વૃદ્ધાની હાલત કેવી છે તે ચેક કરવા સર્જરી વોર્ડમાં તપાસ કરી તો વૃદ્ધા વોર્ડમાં દાખલ જ નહીં થયાનું ખુલ્યું હતું, હેલ્પ ડેસ્કના સ્ટાફે તપાસ શરૂ કરતાં વૃદ્ધા ઇમરજન્સી વિભાગથી અડધો કિલોમીટર દૂર આવેલા પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્ટ્રેચરમાંથી મળી આવ્યા હતા, હેલ્પ ડેસ્કના સ્ટાફે વૃદ્ધાને સર્જરી વોર્ડમાં દાખલ કરી આરએમઓ ડો.દુસરાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી, ઘટનાથી સમસમી ગયેલા ડો.દુસરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં વર્ષાબેન ભાસ્કર નામના 70 વર્ષના આ વૃદ્ધા દર્દીને એક રેસિડેન્ટ ડોક્ટર સ્ટ્રેચરમાં લઇને જતો દેખાયો હતો, આ મામલે તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનને જાણ કરવામાં આવી છે.

હાથમાં સડો હતો તેવા બિનવારસ વૃદ્ધ મહિલા દર્દીની સારવાર કરવી પડે નહીં તે માટે હજુ તો તબીબીના પાઠ ભણી રહેલા રેસિડેન્ટ ડોક્ટરે ક્રૂરતા દાખવી હતી અને વૃદ્ધાને વોર્ડને બદલે પોસ્ટમોર્ટમ રૂમ તરફ ફેંકી દીધા હતા, સમગ્ર ઘટનાએ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ચર્ચા જગાવી છે.

આ સમાચારને શેર કરો