Placeholder canvas

હવે,મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપુર-૧ રાજકોટમાં ભળી જશે.

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર અને મુખ્યમંત્રીના હોમ ટાઉન એવા રાજકોટ મહાનગરની હદ પશ્ચિમ છેડે ચાર ગામો ભેળવીને વધારી મહાપાલિકામાં ભેળવવાનો ઠરાવ આજે કોર્પોરેશનની સામાન્ય સભામાં કરવામાં આવ્યો છે. પશ્ચિમ ભાગને અડીને આવેલા મનહરપુર-1 સહિતના માધાપર, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવાના 34.11 ચો.કિ.મી. વિસ્તારને નવી 31464ની વસ્તી સાથે રાજકોટમાં ભેળવવાની અરજન્ટ દરખાસ્ત કોંગ્રેસના સહકાર વિરોધ વચ્ચે 37/30 મતથી પસાર કરીને સરકારને મોકલી આપવામાં આવ્યાનું મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

આજની સામાન્ય સભાના એજન્ડા કર નવ દરખાસ્ત હતી જયારે મેયરે અધ્યક્ષ સ્થાનેથી મહાપાલિકાની ભૌગોલીક હદ વધારવા અરજન્ટ પ્રસ્તાવ મુકયો હતો. બે દાયકા અગાઉ 1998માં પશ્ચિમના જ રૈયા, મૌવા અને મવડી ગામ શહેરમાં જોડાવામાં આવ્યા હતા. આ નવા ગામોનો મેગાસીટી જેવો વિકાસ પણ થયો છે. તો પાંચ વર્ષ અગાઉ જાન્યુ.2015માં કોઠારીયા અને વાવડી પણ ભેળવવામાં આવતા રાજકોટનું ક્ષેત્રફળ 129.21 ચો.કિ.મી. થયુ હતું. હવે ફરી પશ્ચિમના એક પેટા સહિત પાંચ ગામો રાજકોટમાં લેવાનો નિર્ણય થતા મહાનગરના ભવિષ્યના સંભવિત 20 વોર્ડની વસ્તી 1377656 થવાની છે.

આજની સભામાં દરખાસ્ત મુકતા મેયરે કહ્યું હતું કે પશ્ચિમ રાજકોટના છેડે છતા રાજકોટમાં જ આવી ગયેલા ચાર ગામોમાં ખુબ વિકાસ થતા માનવ વસવાટ વધ્યો છે. આ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને પણ શહેરી વિસ્તાર જેટલી જ નાગરિક સુવિધાનો લાભ મળે તે માટે ચારેય વિસ્તારને હદમાં લેવા નીતિ વિષયક નિર્ણય લેવાયો છે. હદ વધારા માટેની આગળની કાર્યવાહી કરવા સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

જો કે સભામાં પાંચ વર્ષ પહેલા ભળેલા કોઠારીયા, વાવડીની અસુવિધા વાળી દયનીય હાલતના બોર્ડ કોંગ્રેસના કોર્પોરેટરોએ ફરકાવ્યા હતા. ખીસ્સામાંથી વિરોધના કાગળો કાઢતા મહિલા પોલીસે કોંગી મહિલા સભ્યોને રોકવા પ્રયત્ન કર્યો હતો અને છેલ્લે છેલ્લે ધમાલ થઈ હતી. બાદમાં કોંગ્રેસે કોઠારીયા વાવડીને પુરતી સુવિધા આપવામાં નિષ્ફળ મનપા તંત્ર દ્વારા વધુ ચાર કામો રાજકોટમાં લેવા સામે સકારણ વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટના નવા સીમાડાની વાત કરીએ તો મોટામવાની 5759, મુંજકાની 3483, માધાપરની 15036, ઘંટેશ્વરની 5874 તથા મનહરપુર-1ની 1312ની વસ્તી મહાપાલિકા વિસ્તારમાં ભળશે. નવા સંભવિત 20 વોર્ડ અને 80 કોર્પોરેટર બનવા સાથે તમામ વોર્ડની પુન:રચના પણ થશે. આ વિસ્તારો હાલ ભલે રાજકોટમાં ન હોય, પરંતુ માધાપર ચોકડીએ તો રાજકોટના ઘણા ક્રીમ એરીયા કરતા પણ વધુ ડેવલપમેન્ટ ચાલે છે. ચારે ગામોમાં લકઝરીયસ રહેણાક ઝોન વિકસી રહ્યો છે. તો હવે આ વિસ્તારો કોર્પોરેશનનાં ભળી જાય એટલે પશ્ચિમ રાજકોટનું વિકાસનું કેન્દ્રબીંદુ પણ નવુ પડશે તે નકકી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો