Placeholder canvas

રાજકોટ: ત્રણ દરોડોમાં લાખો રુપિયાનો બ્રાન્ડેડ દારૂ પકડાયો

રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ત્રણેય દરોડામાં કુલ પાંચ જેટલા આરોપીઓની સંડોવણી, જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ

રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ દ્વારા બેટી નદીના પુલ પરથી બે જેટલા વ્યક્તિઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડીયાએ જણાવ્યું હતું કે, હું તથા મારો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બેટી નદીના પુલ પરથી હરિયાણા પાસિંગનીનો એક ટ્રક દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે. તે બાતમીના આધારે હું અને મારી ટીમ અગાઉથી જ વોચમાં ગોઠવાયેલી હતી જે દરમિયાન હરિયાણા પાર્સિંગનો ટ્રક ત્યાંથી પસાર થતા તેને રોકવામાં આવ્યો હતો.

આ ટ્રકમાં તપાસતા મકાઇના ભૂટ્ટાની આડમાં રોયલ ચેલેન્જ તેમજ નાઈટ બ્લુ નામની બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. તો સાથે જ 5,77,500 રૂપિયાનો મકાઈનો ભુશો પણ મળી આવ્યો હતો. તેમજ મોબાઇલ ફોન ટ્રક સહિતનો કુલ 27,69,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એરપોર્ટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગુરમીત સિંગ બીમસિંગ ચમાર, દીલબાગ મનીરામ ચમાર નામના શખ્શો ટ્રકમાં મકાઈના ભુસાની આડમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઘુસાડવાની પેરવીમાં હતા.

જ્યારે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભગવતીપરા આવાસ યોજનાના ક્વાટર્સ ની અંદરના ભાગે આવેલા કબ્રસ્તાન પાસેથી તેમ જ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નડાળા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડીને એક આરોપીની ધરપકડ પણ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.બિ.જેબલિયાએ જણાવ્યું હતું કે, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા સુભાષભાઈ ઘોઘારી તેમજ કોન્સ્ટેબલ દેવાભાઈ ધરજીયા ને બાતમી મળી હતી કે, ભગવતીપરા આવાસ યોજનાના ક્વાર્ટર્સ ના અંદરના ભાગે આવેલ કબ્રસ્તાન પાસે ઈનોવા કારમાં ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂનો જથ્થો સંઘરી રાખવામાં આવ્યો છે.

જે બાતમીના આધારે રેડ કરતા ઈનોવા કારમાં થી ૪૧ પેટી બોટલ દારૂ સાથે મહાવીરસિંહ ભાવેશભાઈ ચૌહાણ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. જેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતાં તેણે ઈંગ્લીશ દારૂનો જથ્થો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમમાંથી ભરીને આવ્યો હોવાની કબૂલાત આપી હતી. જે કબૂલાત આપતાની સાથે જ તે જગ્યાએ પણ રેડ કરવામાં આવતા તે જગ્યાએથી ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂનો જથ્થો 155 પેટી મળી આવ્યો હતો. આમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુલ 196 પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે તો સાથે જ વાહન મોબાઇલ ફોન મળી કુલ 16 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

રાજકોટ માલવિયા નગર પોલીસ દ્વારા પણ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની મેક ડોલ નંબર વન સુપિરિયર વિસ્કી કંપનીની 24 જેટલી બોટલો માયાણી નગર આવાસ યોજના ક્વાર્ટરના બ્લોક નંબર 28 પાસેથી કબજે કરવામાં આવી છે. દરોડા દરમિયાન આરોપી અક્રમ હનીફભાઇ મળી ન આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

આ સમાચારને શેર કરો