Placeholder canvas

રાજકોટ: હાર્ટએટેકની ઘટનાઓ વધતા AIIMSમાં મુકાયું CPET

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અદ્યતન કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટનું એઈમ્સમાં થયું ટ્રાયલ

હાર્ટએટેક નામ સાંભળીને જ ઘણા યુવાનો ચિંતામાં સમાઈ જાય છે ઘણા યુવાનો હવે જિમમાં કસરત અને ક્રિકેટ જેવી રમતોમાં વધુ પડતી ક્ષમતા લગાવવાથી ડરી રહ્યા છે ત્યારે ખરેખર કસરત કરવાની ક્ષમતા કેટલી છે તેમજ માત્ર હૃદયની જ નહિ પણ ફેફસાંમાં પણ શું સમસ્યા છે તે જાણવા માટે એઈમ્સમાં સૌથી આધુનિક કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ મશીન મૂકવામાં આવ્યું છે જેમાં ટ્રાયલના ભાગરૂપે એક 23 વર્ષના યુવાનના ટેસ્ટ કરાયા હતા.

એઈમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ પલ્મોનોલોજિસ્ટ ડો. કર્નલ સીડીએસ કટોચના જણાવ્યા અનુસાર CPET ટેસ્ટ એ શરીરમાં રક્ત, શ્વાસોચ્છવાસ, ફેફસાં, હૃદય, માંસપેશીઓ અને હાડકાં સહિતના અંગોની સ્થિતિ એક જ સાથે જણાવી દે છે આ કારણ શ્વાસને લગતા અનેક રોગોમાં તેનો ઉપયોગ થઈ શકે છે.

એઇમ્સમાં CPETનો સૌ પ્રથમ ઉપયોગ કરવા માટે ડિરેક્ટર ડો. કટોચ ઉપરાંત ડો. સંજય સિંઘલ, ડો. કૃણાલ દિઓકર, ડો. અનેરી પારેખ સહિત વિવિધ વિભાગના તબીબો હાજર રહ્યા હતા અને 23 વર્ષના યુવાનનો ટેસ્ટ કરાયો હતો જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.

યુવા વયે શરીરમાં એવી ઘણી ખામી અને રોગ હોઇ શકે છે જેનો અંદાજ પણ આવતો નથી ત્યારે આ ટેસ્ટ શરીર માટે સૌથી મહત્ત્વના બે અંગ એવા હૃદય અને ફેફસાં તેમજ રક્ત પરિભ્રમણ અને સ્નાયુની સાચી વિગતો મેળવીને કોઇ રોગ હોય કે પછી કોઇ ખામી હોય તો તે તરફ ધ્યાન દોરી શકે છે અને તેને આધારે તબીબો વજન ઉતારવા, વજન વધારવા તેમજ અન્ય પ્રવૃત્તિ કરતા પહેલાં શું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપી શકાશે.

શ્વાસ ચડવા પાછળ ખરેખર લોહીની ઊણપ, હૃદયની અનિયમિતતા કે પછી મગજમાં કોઇ ચેતાતંતુની ખામી છે તે તમામ આ ટેસ્ટથી જાણવા મળે છે આ કારણે શ્વાસને લગતી સમસ્યાઓમાં આ ટેસ્ટ સાથે એઈમ્સ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યું છે.

આ સમાચારને શેર કરો