રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પાદરિયાને પાંણીચુ

લાંચ કૌભાંડ અને ભાજપના નેતાઓ સાથેના વિવાદમાં ખુરશી ગુમાવી

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેનપદેથી આખરે કિશોર પાદરિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે. લાંચ કેસમાં ડીડીઓના રિપોર્ટ બાદ વિકાસ કમિશનરે એક્શન લઈને પાદરિયા હટાવ્યા છે. જો કે તેઓ જિલ્લા પંચાયતના સભ્યપદે ચાલુ રહેશે. સોમવારે બપોરે સવા બાર વાગ્યે આ ચુકાદો આવ્યો તે પહેલાં જ સાડા અગિયાર વાગ્યે જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની છેલ્લી કારોબારી યોજાઈ હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે પાદરિયાએ 6 કરોડ 85 લાખના વિકાસ કામોને મંજૂરી આપી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીના ચેરમેનના અધ્યક્ષ પદે સોમવારે સાડા અગિયાર વાગ્યે જિ.પં.ની વર્તમાન મુદ્દતની છેલ્લી કારોબારી યોજાઈ હતી. જેમાં કારોબારી સમિતીના અધ્યક્ષ કિશોર પાદરિયાએ રોડ-રસ્તા સહિતના 6 કરોડ 85 લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપી હતી. જેને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ પણ બહાલી આપી હતી.
નોંધનીય છે કે, જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની મુદ્દત 23મી ડિસેમ્બરે પૂરી થાય છે. એ પહેલા આ છેલ્લી કારોબારી યોજાઈ હતી. વળી, છેલ્લી કારોબારી બેઠક યોજવામાં પણ જબરી રાજરમત થયાનું ચર્ચાય છે.

જિલ્લા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેન કિશોર પાદરિયા સામે લાંચના આક્ષેપ થયેલા છે. જેની સુનાવણી વિકાસ કમિશનર સમક્ષ ચાલતી હતી. આજે જિલ્લા પંચાયતની કારોબારીમાં કિશોર પાદરિયાએ કારોબારી ચેરમેન તરીકે વિકાસ કામોને મંજૂરી આપ્યા બાદ, વિકાસ કમિશનર તરફથી લાંચ કેસનો નિર્ણય આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીના અહેવાલના આધારે વિકાસ કમિશનરે રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનપદેથી કિશોર પાદરિયાની હકાલપટ્ટીનો હુકમ કર્યો છે. વિકાસ કમિશનર તરફથી આ હુકમ સવા બાર વાગ્યા આસપાસ આવ્યો છે. જો કે તે પહેલાં છેલ્લી કારોબારીમાં પાદરિયાએ મહત્વના નિર્ણયો લઈ લીધા, અને બહાલી પણ આપી દીધી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •