ગુજરાત

રેલવેમાં ગાર્ડની નોકરી અપાવાના બહાને ૧૧ બેરોજગારો સાથે ઠગાઈ…


💰 દિલ્હી રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ઠગાઈ, આરોપીએ મોબાઈલ બંધ કરી દીધો.

અમદાવાદ: શહેરમાં નોકરીની લાલચ આપીને યુવાનોને છેતરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દિલ્હી રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને એક ઠગે ૧૧ શ્રમજીવી યુવકોને રેલવેમાં ગાર્ડની નોકરી અપાવવાની લાલચ આપી હતી અને તેમની પાસેથી કુલ રૂ. ૬૧,૦૦૦/- (એકસઠ હજાર) પડાવી લીધા હતા. દસ મહિના સુધી નોકરી ન મળતાં અને આરોપીએ પોતાનો મોબાઇલ બંધ કરી દેતાં આખરે ભોગ બનેલા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નોકરીની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો

આ અંગેની ફરિયાદ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વિનોબાભાવેનગરમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે જયેશભાઈ નામના આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ગત તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ યુવક રાયપુર ખાતે તેના માસીના ઘરે ગયા હતા, જ્યાં માસી દ્વારા આરોપી તેમના સગા થતા હોવાની અને રેલવે વિભાગમાં નોકરી અપાવશે તેવી વાત કરવામાં આવી હતી.

📱 દિલ્હીના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ
યુવકે ફોન કરતાં આરોપી જયેશભાઈએ પોતે દિલ્હી ખાતે રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાનું જણાવ્યું હતું. અભ્યાસ વિશે પૂછીને તેણે રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી માત્ર રૂ. ૫,૫૦૦/- માં અપાવવાની લાલચ આપી હતી. તેણે યુવકને ફોર્મ ભરી દેવાની અને જો તેના મિત્રોને નોકરી જોઈતી હોય તો તેમને પણ અપાવવાની વાત કરી હતી. યુવકે વિશ્વાસ કરીને પોતાના ૧૦ મિત્રોને આ અંગે જાણ કરી હતી અને આ ૧૧ લોકોના ઓનલાઇન પેમેન્ટ પેટે કુલ રૂ. ૬૧,૦૦૦ આરોપીને ચૂકવી દીધા હતા. સાથે જ મિત્રોના ડોક્યુમેન્ટ પણ મોકલી આપ્યા હતા.

🛑 દસ મહિના બાદ મોબાઈલ બંધ અને આરોપી ગુમ
રૂપિયા લીધા બાદ આરોપીએ ત્રણ દિવસમાં અમદાવાદ આવવાનું કહીને યુવકોને આશા બંધાવી હતી. જોકે, ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો અને દસ મહિના સુધી નોકરી પણ આપી નહોતી. આખરે આરોપીએ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા યુવકોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

વટવા જીઆઇડીસી પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને આરોપી જયેશભાઈની શોધખોળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ આ જ રીતે અન્ય અનેક બેરોજગારો સાથે પણ ઠગાઈ આચરી હોઈ શકે છે.

આ સમાચારને શેર કરો