skip to content

30 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાની પધરામણી થશે, દક્ષિણ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા

મે મહિનાની આખરમાં કેરળ પહોંચેલી નૈઋત્યનું ચોમાસું ધીમી ગતિએ આગળ વધીને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયું છે. જો કે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પહોંચતા જ ચોમાસું નબળું પડતાં આગળ નથી વધી રહ્યું. જેના કારણે અડધો જૂન મહિનો પતવા આવ્યો હોવા છતાં ચોમાસું જામ્યુ નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. એવામાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 23 જૂન સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ રહેશે. જેમાં કેરળના કાંઠેથી કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જે બાદ 24 જૂનથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

આગામી 24 થી 29 જૂન સુધીમાં બંગાળના ઉપસાગરનો ભેજ મધ્ય પ્રદેશ થઈને ગુજરાત સુધી આવી જશે. જેથી 30 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આમ 30 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

અહીં જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી હતી. જો કે હજુ સુધી ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ તેમ કહી શકાય નહીં. 10 જૂનથી દક્ષિણ ગુજરાતના કાંઠે ચોમાસું અટકી ગયું છે. જેના કારણે રાજ્યમાં સરેરાશ 71 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. અત્યાર સુધીમાં ગુજરાતના 33 જિલ્લા પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ સરેરાશ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

આ સમાચારને શેર કરો