ગુજરાતમાં વધુ એક ગમખ્વાર અકસ્માત: રાધનપુર નજીક 5 વાહનો ટકરાતા બેનાં મોત, અનેક ઈજાગ્રસ્ત
પાટણ: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા વચ્ચે આજે પાટણ જિલ્લાના રાધનપુર નજીક એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આજે રવિવારના રોજ બનેલી આ ઘટનામાં એકસાથે પાંચ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા, જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે અને અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
મોટી પીપળી ગામ નજીક સર્જાઈ દુર્ઘટના
પ્રાથમિક માહિતી અનુસાર, આ ભયાનક દુર્ઘટના રાધનપુરના મોટી પીપળી ગામ નજીક બની હતી. આ અકસ્માતમાં સામેલ વાહનોમાં એક ટ્રેલર, બે બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ એમ કુલ પાંચ વાહનોનો સમાવેશ થાય છે. પાંચેય વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મદદની કામગીરી શરૂ કરી હતી.
પોલીસ ઘટનાસ્થળે, તપાસ શરૂ
અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સૌપ્રથમ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગંભીર ઈજા પામેલા બે વ્યક્તિઓના મૃતદેહનો પોલીસે કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં પોલીસે આ ગમખ્વાર અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે, તેમજ ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી પણ ચાલી રહી છે. અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

