હાઇકોર્ટના મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકારને અણિયારા સવાલ…
શું રાજ્ય સરકાર એટલી બધી ઉદાર છે કે વિના ટેન્ડરે બ્રિજનાં કામની સીધે સીધી બક્ષિસ આપી દીધી?
મોરબી બ્રિજ હોનારતમાં ગુજરાત સરકારની ગંભીર બેદરકારીને લપડાક મારતાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે અણિયારા પ્રશ્નો કર્યા છે. ગત 30 ઓક્ટોબરે ઝૂલતા પુલની 130થી વધુ લોકોથી વધુનાં મોતની દુર્ઘટનામાં સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે “શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહોતી? શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું?”
“રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધે સીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં,” એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.
“આટલા મહત્ત્વના કામ માટેનો કરાર માત્ર દોઢ પાનાનો કઈ રીતે હોઈ શકે? શું રાજ્ય સરકાર એટલી ઉદાર છે કે ટેન્ડર બહાર પાડ્યા વિના જ ઓરેવા કંપનીને આટલી મોટી ધરોહર આપી દીધી. કયા આધારે આ પુલને એક એવી કંપની જૂન 2017 પછી ઓપરેટ કરતી હતી, જ્યારે કે (2008માં કરાયેલા કરારને) 2017 પછી રિન્યુ જ કરાયો નહોતો,” એવી પણ હાઈકોર્ટે નોંધ લીધી હતી.
અદાલતે આ દુર્ઘટનાની સુઓમોટો નોંધ લેતાં છ સરકારી વિભાગો પાસે જવાબ માગ્યા હતા. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી આ કેસની સુનાવણી કરી રહ્યા છે. અત્યારસુધીમાં કરાર કરનારી કંપનીના અમુક કર્મચારીઓની ધરપકડ કરાઈ છે, પરંતુ આ રૂ. 7 કરોડનો કરાર કરનારા ટોચના મેનેજમેન્ટમાંથી કોઈને ઊની આંચ પણ આવી નથી. આ ઉપરાંત કોઈ અધિકારીને આ 150 વર્ષ જૂના પુલની દુર્ઘટના માટે જવાબદાર ઠેરવાયા નથી.

