વાંકાનેરના કણકોટમાં પ્રેમલગ્ન બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ

યુવતીને ભગાડી પ્રેમલગ્ન કરનાર યુવકના મામા અને યુવતીના પિતા વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો વકર્યો; બંને પક્ષના પાંચ-પાંચ લોકો સામે ફરિયાદ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કણકોટ ગામમાં છએક માસ પૂર્વે યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કરનાર યુવકના મામા અને યુવતીના પિતા વચ્ચેની બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને પક્ષના પાંચ-પાંચ લોકો સામસામે આવી ધારીયા, લાકડી અને પાઇપ સહિતના હથિયારો વડે મારામારી કરતાં બંને પક્ષના લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કણકોટ ગામે રહેતા નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણાએ જીવરાજભાઈ નાથાભાઈ સારદીયા, રમેશભાઈ નાથાભાઈ સારદીયા, અલ્પેશભાઈ ઉર્ફે કિશન રમેશભાઈ સારદીયા, જયરાજભાઈ જીવરાજભાઈ સારદીયા અને હાર્દિક જીવરાજભાઈ સારદીયા, તમામ રહે. કણકોટ, વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ નિલેશભાઈની બહેન અસ્મિતા સાથે છ મહિના પૂર્વે આરોપી પક્ષના ભાણેજ ગોવિંદે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતે બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. દરમિયાન નિલેશભાઈના પિતા અરવિંદભાઈએ આ બાબતે જીવરાજભાઈને વાત કરતાં જીવરાજભાઈએ અસ્મિતાને ભગાડવામાં પોતે મદદ કરી હોવાનું કહી, બંને વચ્ચે બોલાચાલી કરી હતી.

આ બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને અન્ય આરોપીઓ પણ ધોકા, પાઇપ તથા ધારીયા લઈને આવી ગયા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મારામારીમાં ફરિયાદી સહિત સાક્ષીઓને ઇજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે.

બીજી તરફ કણકોટ ગામે રહેતા રમેશભાઈ નાથાભાઈ સારદીયા ઉંમર 55એ પણ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ રમેશભાઈના ભાણેજ ગોવિંદભાઈ બાબુભાઈ સરવૈયાએ અરવિંદભાઈ ભવાનભાઈ મકવાણાની દીકરી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતે અરવિંદભાઈ ભવાનભાઈ મકવાણા, નિલેશ અરવિંદભાઈ મકવાણા, પંકજ અરવિંદભાઈ મકવાણા, અરવિંદભાઈનો આંગળીયાત પુત્ર રવિ અને હકુભાઈ જેસિંગભાઈ સારદીયા જીવરાજભાઈ સાથે ઝઘડો કરતા હોવાની જાણ થતાં રમેશભાઈ પરિવારના સભ્યો સાથે તેમને સમજાવવા ગયા હતા.

દરમિયાન ગામના લોકોએ બંને પક્ષને ઝઘડો નહીં કરવા સમજાવી ઘરે જવા કહ્યું હતું. પરિવાર સાથે ઘરે પરત ફરતા સમયે સામાપક્ષના લોકોએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ હુમલામાં રમેશભાઈના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું તેમજ જયરાજભાઈને માથામાં પાઇપ વાગતા હેમરેજ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on