કાયદો હાથમાં લેનાર DCP સહિતના પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવા ‘માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી’ (MCC) એ પોલીસ વડાને પાઠવ્યો પત્ર
સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક ઘટના બાદ પોલીસ દ્વારા કાયદો અને સુપ્રીમ કોર્ટના નિયમોને નેવે મૂકીને લોકશાહીને શરમાવે તેવું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગત ૧૩ જુલાઈના રોજ નોંધાયેલી એક FIRના સંદર્ભમાં, સુરત પોલીસના ઉચ્ચ અધિકારી (DCP) અને કર્મચારીઓ દ્વારા લઘુમતી સમુદાયના આરોપીઓની ધરપકડ કરી, ‘ક્રાઈમ સીન રી-કન્સ્ટ્રક્શન’ ના નામે જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હોવાના અહેવાલો વ્યાપક બન્યા છે. આ મામલે સામાજિક કાર્યકર્તા અને MCCના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા ગુજરાતના પોલીસ મહાનિદેશક (DGP) ને લેખિત ફરિયાદ કરી તાત્કાલિક દંડાત્મક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
DGPના મે મહિનાના જ પરિપત્રનું ઉલ્લંઘન!
ચોંકાવનારી બાબત એ છે કે, હજુ બે મહિના પહેલા જ એટલે કે ૧૨ મે ૨૦૨૬ના રોજ DGP કાર્યાલય દ્વારા પરિપત્ર ક્રમાંક જી-૧/ક્રાઈમ/ટે-૨/હકપ/હા.કોર્ટ-૪૭/૪૨૧/૨૦૨૬ જાહેર કરીને કોઈપણ આરોપીને જાહેરમાં માર મારવા કે પરેડ કરાવવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમ છતાં, સુરત પોલીસે પોતાના જ સર્વોચ્ચ વડાના આદેશોની ઐસીતૈસી કરીને ૧૪ જુલાઈના રોજ મીડિયા અને હજારોની મેદની સામે આરોપીઓ પર લાકડીઓ અને હાથથી અત્યાચાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા અને અખબાર ‘દિવ્ય ભાસ્કર’ માં પણ પ્રસારિત થયા છે.
ભીડને સંતોષવા પોલીસે ભજવી ‘જજ અને જ્યુરી’ની ભૂમિકા
DGPને મોકલવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, આરોપીઓને હજુ કોઈ ન્યાયિક અદાલતે દોષિત જાહેર કર્યા નથી. તેમ છતાં, બ્રિટિશ કાળની દમનકારી અને ઔપનિવેશિક માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓએ રસ્તા પર જ ‘તાત્કાલિક ન્યાય’ આપવાની કોશિશ કરી છે. હજારો લોકોના ટોળા સામે આરોપીઓના પગમાં ચપ્પલ પણ નહોતી, તેમના વાળ ખેંચવામાં આવ્યા અને હાથકડી સાથે ફેરવી માનવીય ગૌરવનો ભંગ કરાયો હતો. આ પ્રકારની ટોળાશાહી પ્રવૃત્તિને પોલીસે જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ‘ડી. કે. બાસુ’ ચુકાદાનું સરેઆમ અપમાન
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંધિઓ અને ભારતીય બંધારણના આર્ટિકલ ૧૪૧ હેઠળ કાયદા સમાન ગણાતા સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત ‘D.K. Basu’ ચુકાદા મુજબ કસ્ટોડિયલ ટોર્ચર (પોલીસ કસ્ટડીમાં અત્યાચાર) પર સદંતર પ્રતિબંધ છે. ગુજરાત હાઈકોર્ટે પણ અગાઉ આવી જાહેર પરેડ અને ચાબુકમારની ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. પત્રમાં આક્રોશ વ્યક્ત કરાયો છે કે, ભારતીય ફોજદારી ન્યાયશાસ્ત્રમાં ‘રી-કન્સ્ટ્રક્શન’ ના નામે નાગરિકોને ફટકારવાનો કોઈ કાનૂની અધિકાર પોલીસને આપવામાં આવ્યો જ નથી.
જો જવાબદાર IPS અને અન્ય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક વિભાગીય અને ફોજદારી પગલાં લેવામાં નહીં આવે, તો આ મામલે નામદાર અદાલતના દ્વાર ખટખટાવવાની અને કાનૂની લડત આપવાની ફરજ પડશે.” -મુજાહિદ નફીસ (કન્વીનર, માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી)
હવે જોવાનું એ રહેશે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા ખાખી વર્ધીધારીઓ ખુદ કાયદો હાથમાં લે ત્યારે રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશક (DGP) આ અંગે કેવા કડક પગલાં ભરે છે.

