Placeholder canvas

સાયલા દારૂકાંડ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PSI ભાવના કડછા અને ચારેય પોલીસમેન સસ્પેન્ડ

સાયલાથી લાખોના દારૂ ભરેલા ટ્રક કન્ટેનરને રાજકોટ સુધી અપહરણ કરીને લાવી રહેલા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મચારીઓ વિજીલિયન્સની ઝપટે ચડી જતા કાયદેસર કાર્યવાહી થઈ હતી. આ અંગે ચાર પોલીસ કર્મચારીઓ સામે સાયલા પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ભાવના કડછા અને ચારેય પોલીસમેને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના મહિલા પીએસઆઈ કડછાની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ ચાલતી હોવાથી ગુનામાં તે આરોપી ન હોવા છતાં સસ્પેન્ડ કરાયા છે, જ્યારે કોન્સ્ટેબલ દેવા ધરજીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, સુભાષ ઘોઘારી અને હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા સામે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે આકરી કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, બહુ ગાજી રહેલા આ કાંડમાં લાખો રૂપિયાનો દારૂ સુરેન્દ્રનગરના સાયલાથી ડ્રાઇવર સાથે અપહરણ કરી રાજકોટ લઇ જતા હતા તે સમયે ગાંધીનગર વિજિલન્સની ટીમે દરોડા પાડ્યો હતો. તે સમયે રાજકોટનો એક નામચીન બુટલેગર પણ રાજકોટ પોલીસની ટીમની સાથે હતો. જોકે તે વિજીલિયન્સની ટીમને જોઈ ભાગી છૂટ્યો હતો. આ તમામ ઘટનાક્રમને સ્ટેટ મોનીટરીંગ સેલ (વિજીલિયન્સ)એ ખૂબ જ ગંભીરતાથી લઈ શંકાસ્પદ ગણી કાર્યવાહી કરી છે, ત્યારે રાજકોટ શહેરના ખાસ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ સહિત ગુનામાં સંડોવાયેલા ચારેય પોલીસમેનને સસ્પેન્ડ કરતા આદેશો આપ્યા છે.

આ સમાચારને શેર કરો