જેતપર ગામે વીજલાઈનનો વિરોધ: વળતરની માંગ સાથે ખેડૂતોના પ્રતીક ઉપવાસ
મોરબી : જેતપર ગામે ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો અને કંપની વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ખેડૂતોની માંગ છે કે તેમને કાયદા મુજબ યોગ્ય વળતર આપવામાં આવે, જ્યારે કંપની માત્ર પરિપત્ર મુજબ જ વળતર આપવાની વાત કરી રહી છે. આ વિવાદને પગલે આજે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વળતરની માંગ ન સંતોષાતા જેતપર ગામના ખેડૂતો, બહેનો અને બાળકોએ એકત્ર થઈને વીજલાઈનનું કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કામ અટકાવવા ગયેલા લોકોની અટકાયત કરી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર, 2 બસ ભરીને વિરોધ કરી રહેલા લોકોને માળિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે.

પોલીસની આ કાર્યવાહી બાદ બાકી રહેલા તમામ ગ્રામજનો અને ખેડૂતો ગામમાં જ એકત્ર થઈને પ્રતીક ઉપવાસ પર બેસી ગયા છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે પણ તેમના પ્રતીક ઉપવાસ ચાલુ રહેશે. જો તેમની કાયદા મુજબના વળતરની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને જો વહીવટી તંત્ર કે કંપની દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આગળની નવી રણનીતિ નક્કી કરીને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



