Placeholder canvas

રાજયમાં 1500 નવી ગ્રામ પંચાયતોની રચનાની તૈયારી

મોટી ગ્રામ પંચાયતોનું વિસર્જન થશે: નવી પંચાયતોમાં વિકાસ માટે ખાસ ગ્રાન્ટની રાજકીય ભૂમિ મજબૂત બનાવવા તૈયારી: ટુંક સમયમાં નોટીફીકેશન

રાજકોટ: ગુજરાતમાં ગાંધીનગર મહાપાલિકાની ચુંટણી જીત્યા બાદ હવે ફુલ ફાર્મમાં આવી ગયેલા ભારતીય જનતા પક્ષે હવે તેના માટે મોટા પડકાર જેવા ગ્રામીણ વિસ્તારોમાં 2022ની ધારાસભા ચૂંટણી પુર્વે એક નવા દાવમાં રાજયમાં 1500 નવી ગ્રામ્ય પંચાયતની રચના કરીને ત્યાં વિકાસ કામોના આધારે સ્થાનિક મતદારોને જીતવાનો વ્યુહ તૈયાર કર્યો છે.

આ એક ખૂબ જ મહત્વનું કદમ સાબીત થઈ શકે છે અને ડિસેમ્બર માસમાં રાજયની 10000થી વધુ ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી છે તે પુર્વે આ અંગેનું એક નોટીફીકેશન બહાર પડી જાય તેવી શકયતા છે. સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર પંચાયતોના બાયરફરગેશનથી નવી 1500 પંચાયતો બનાવવા જઈ રહી છે અને આ માટે જે ગ્રામ્ય પંચાયતો મોટી છે તથા તેની આસપાસ નાના ગામ છે તેનું વિભાજન કરવામાં આવશે.

શહેરી ક્ષેત્રએ ભાજપનો મજબૂત ગઢ છે પણ સરકાર તેને ગ્રામીણ ક્ષેત્રમાંથી મળી શકે તેમ છે, જયાં કોંગ્રેસ પક્ષ અને હવે આમ આદમી પાર્ટી બંને પોતાની વગ વધારવા માટે પ્રવાસ કરે છે. રાજયના 18000 ગામડાઓને આવરી લેતી 14300 જેટલી પંચાયતો છે અને તેઓ 10300 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. જો કે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી અને મોટાભાગે તે શાસક પક્ષ સમરસ એટલે કે પોતાની તરફેણમાં બીનહરીફ થાય તેવી યુક્તિ કરે છે પણ પંચાયતોમાં પોતાના પ્રતિનિધિ હોય તે નિશ્ચિત કરે છે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગે નવી 1500 પંચાયતોની બ્લુપ્રિન્ટ બનાવી લીધી છે અને મોટી પંચાયતોનું વિભાજન માટેનો ઠરાવ વિ. જીલ્લા પંચાયત કક્ષાએ થશે. આ માટે હાલ પંચાયત બાબતોના મંત્રી બ્રિજેશ મેરજા ખાસ કવાયત કરી રહ્યા છે અને ટુંક સમયમાં જ આ અંગેનું એક નોટીફીકેશન પણ બહાર પડી જશે.

ભાજપે તેના નબળા પોકેટને પારખીને આદીવાસી ક્ષેત્રમાં 93 તાલુકાઓ છે ત્યાં આ વિભાજન પ્રક્રિયા નિશ્ર્ચિત કરી છે અને એક વખત પંચાયતોનું વિભાજન થાય પછી ત્યાં ખાસ વિકાસ ગ્રાન્ટ ફાળવાશે જે રૂા. 1 કરોડ સુધીની હોઈ શકે છે અને આ રીતે તે ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપ તેની પકકડ મજબૂત બનાવશે. ભાજપે આગામી ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમાં વિશ્વાસુ છે.

આ સમાચારને શેર કરો