જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાંથી પ્રતાપગઢ પ્રાથમિક શાળાની કૃતિની ઝોન કક્ષા માટે પસંદગી…
વાંકાનેર: જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાંથી પ્રતાપગઢ પ્રાથમિક શાળાની કૃતિની ઝોન કક્ષા માટે પસંદગી થયેલ છે. પ્રતાપગઢ શાળાની “હાઇડ્રોલિંગ મિસાઈલ લોન્ચર” નામની કૃતિ શિક્ષિકા સેજલબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિધાર્થી બાવરા સહેબાજ અને કડીવાર ફિદાને તૈયાર કરી અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લઈને જિલ્લા કક્ષાએથી ઝોન માટે પસંદ થયેલ છે. એ માટે શાળાના આચાર્ય એમ.એફ.કડીવાર અને સ્ટાફ ગણે બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા
મોરબી જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક/ઉ.મા. શાળાઓ માટેનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન -2024-25 લાઈફ લીંકસ વિદ્યાલાય, ટંકારા ખાતે તારીખ: 12/12/2024 થી 14/12/2024 દરમિયાન ખૂબજ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. જિલ્લા કક્ષાના આ પ્રદર્શનમાંથી વિજેતા થઈ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે કૃતીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પ્રતાપગઢ પ્રાથમિક શાળાની કૃતિ ની પણ પસંદગી કરવામાં આવી છે
ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન -2024-25 આગામી સમયમાં સંભવતઃ સ્વામિનારાયણ ગુરુકુળ, રતનપર માળોદ રોડ, સુરેન્દ્રનગર ખાતે તારીખ: 03/01/2025 થી 04/01/2025 દરમિયાન યોજાનાર છે. ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – 2024-25 માં સમગ્ર મોરબી જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું પ્રતિનિધિત્વ કરનાર આ પસંદિત શાળાઓના બાળકો અને શિક્ષકો તથા સમગ્ર ટીમને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઝોન કક્ષાથી રાજ્ય કક્ષા માટે પસંદગી સુધીના સોપાનો સર કરવા શુભેચ્છા પાઠવી હતી.

જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાંથી ઝોન કક્ષાના પ્રદર્શન માટે પ્રાથમિક શાળા વિભાગ માંથી કુલ પાંચ શાળાની કૃતિઓની પસંદગી કરવામાં આવી છે જેમાંથી ત્રણ કૃતિઓ વાંકાનેર તાલુકાની પસંદ થયેલ છે. જેમાં હસનપર પ્રાથમિક શાળા, પ્રતાપગઢ પ્રાથમિક શાળા અને નવા મહીકા પ્રાથમિક શાળાની કૃતિઓ ઝોન કક્ષા માટે પસંદ થઈ છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાંથી એકમાત્ર નિર્મલા કોન્વેટ સ્કુલની કૃતિ પસંદ થઈ છે.

