મોરબી નટરાજ ફાટક ઓવરબ્રિજની નબળી કામગીરી મામલે તંત્ર લાલઆંખ: પિલર તોડી પાડવા આદેશ
માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર હિતેશ આદ્રોજાની કડક કાર્યવાહી: કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે જ નવો પિલર બનાવવો પડશે
મોરબી:મોરબીના નટરાજ ફાટક પર બની રહેલા LC-31 રેલવે ઓવરબ્રિજ (ROB)ના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બાબત માર્ગ અને મકાન વિભાગના ધ્યાને આવતા, બાંધકામમાં ગુણવત્તા અને સલામતીના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે વિભાગ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નિયમિત તપાસમાં પિલરની ગુણવત્તા નબળી જણાતા લેવાયો નિર્ણય
રેલવે ઓવરબ્રિજના બાંધકામની નિયમિત ટેકનિકલ તપાસ દરમિયાન અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે, બ્રિજના એક પિલરની એક લિફ્ટ નિર્ધારિત સામર્થ્ય (strength) અને ગુણવત્તાના ધોરણો મુજબ બનેલી નથી. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને માર્ગ અને મકાન વિભાગે તાકીદના પગલાં લીધા છે.
નાયબ કાર્યપાલક ઈજનેર (ડેપ્યુટી એન્જિનિયર) હિતેશ આદ્રોજા દ્વારા કોન્ટ્રાક્ટરને આ ખામીયુક્ત પિલર સંપૂર્ણપણે તોડી પાડવાનો તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ, મંજૂર થયેલી ડિઝાઈન અને ટેક્નિકલ સ્પેસિફિકેશન મુજબ કોન્ટ્રાક્ટરે પોતાના જ ખર્ચે (સ્વખર્ચે) નવો પિયર બનાવવો પડશે તેવી કડક તાકીદ કરવામાં આવી છે.
તંત્રનું કડક વલણ:
માર્ગ અને મકાન વિભાગના આદેશ અનુસાર હાલ એન્જિનિયરોની હાજરીમાં જ ખામીયુક્ત પિયરને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં થાય: વિભાગની ચીમકી
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મામલે સ્પષ્ટ ચિંતન વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે, બ્રિજ જેવા જાહેર જનતાની સુરક્ષા સાથે જોડાયેલા બાંધકામની દરેક કામગીરીની નિયમિત તકનિકી તપાસ (Technical Inspection) કરવામાં આવે છે.
આગામી સમયમાં પણ જો ઓવરબ્રિજના કામમાં ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારની ખામી કે ક્ષતિ જણાશે, તો આવી જ કડક સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે વિકાસના કામોમાં ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં.


