મોરબીમાં સસ્પેન્ડ પોલીસમેને દારૂના નશામાં પોલીસ મથક માથે લીધું: આરોપીની ભલામણ કરવા ઘૂસી ધમાલ મચાવી

મોરબી: મોરબી શહેરના કંડલા બાયપાસ નજીક રહેતા અને દોઢ વર્ષથી ફરજ પર ગેરહાજર સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ગત રાત્રે દારૂના નશામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઘૂસી જઈ ભારે ધમાલ મચાવી હતી. તેણે અન્ય આરોપીની ભલામણ કરવા માટે પોલીસ મથક માથે લેતા આખરે તેની વિરુદ્ધ જ ગુનો નોંધાયો છે.

આ બનાવ અંગેની વિગતો મુજબ, ગઈકાલે રાત્રે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કંડલા બાયપાસ, ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતો સસ્પેન્ડેડ પોલીસમેન ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા (ઉ.વ. ૩૭) દારૂના નશાની હાલતમાં ધસી આવ્યો હતો. દારૂના નશામાં ધૂત ભરત મિયાત્રાએ પોલીસ સ્ટેશનમાં અન્ય આરોપીની ભલામણ કરવા માટે ભારે હંગામો મચાવ્યો હતો અને પોલીસ મથકને ગજાવી મૂક્યું હતું, જેના કારણે ત્રાસદાયક પરિસ્થિતિ સર્જાઈ હતી.

આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભરતભાઈ મિયાત્રા વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ તેમજ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી ભરત મિયાત્રા સસ્પેન્ડ થયા બાદ તેની બદલી ગાંધીનગર પોલીસ હેડક્વાટર્સમાં થઈ હતી, તેમ છતાં તે દોઢ વર્ષથી ફરજ પર ગેરહાજર હતો. હાલ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો