Placeholder canvas

નશાકારક આયુર્વેદીક સીરપના સપ્લાયર પર પોલીસ ઘોંસ

રાજકોટ: શહેરમાં આવેલી કેટલીક પાનની દુકાનોમાં આયુર્વેદીક દવાના નામે શંકાસ્પદ નશાકારક સીરપનું વેચાણ થતું હોવાની જાણ થતા પોલીસે દરોડો પાડી 825 બોટલ જપ્ત કરી બે આરોપીને ઝડપી લીધા છે. એસઓજી અને યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં ચાર દરોડામાં રૂ.82500નો મુદ્દામાલ કબ્જે કરી નમૂના તપાસ માટે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ હવે નશાકારક મનાતા આયુર્વેદીક સીરપના સપ્લાયર પર ઘોંસ બોલાવશે.

એસઓજી પીઆઈ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ. એસ. અંસારી, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ અઝહરુદીનભાઇ બુખારી, પો.કોન્સ સોનાબેન મુળીયા વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા અમરનગર મેઇન રોડ બહુચર વિધ્યાલય પાસે જે માળી ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની પાનની દુકાનમાં તપાસ કરતા દુકાનદાર ચીરાગ અશોકભાઇ ડોડીયા (ઉ.વ.37, રહે. આકાશદીપ સોસાયટી શેરી નં -1 ઉમીયાચોક પાસે, 150 ફુટ રીંગ રોડ) અલગ – અલગ આયુર્વેદીક સીરપની કુલ 58 બોટલો સાથે ઝડપાયા હતા. બીજા દરોડામાં ઢેબર રોડ, અટીકા ફાટક પાસે મુરલીધર ડીલક્ષ પાન નામની દુકાનમાં રામભાઇ રાજદેભાઇ ડેર (ઉ.વ.32, રહે. સ્વામીનારાયણ ચોક કુષ્ણનગર શેરી નં -14) અલગ – અલગ આયુર્વેદીક સીરપની કુલ 724 બોટલો સાથે ઝડપાયા હતા.

યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન મુજબ ડી – સ્ટાફ પીએસઆઈ એ.બી.જાડેજા અને હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ડોડીયા, સહિત ડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રૈયા રોડ, બાપાસીતારામ ચોક, શિવમ માર્ટની સામે ન્યુ અપના અડ્ડા તથા રામાપીર ચોકડી, દેવજીવન હોટલની બાજુમાં હરસિધ્ધી ડીલકસ પાન નામની દુકાનો ખાતે રેઇડ કરતા અપના અડ્ડામાંથી શંકાસ્પદ આયુર્વેદિક સીરપની 35 બોટલ અને હરસિધ્ધી ડીલકસ પાનમાંથી 8 બોટલ મળી આવી હતી જે કબ્જે કરવામાં આવી હતી. અને તેના નમૂના પૃથ્થકરણ માટે એફ.એસ.એલ. કચેરી ખાતે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આલ્કોહોલ મિશ્રિત મનાતા સીરપના નામો
સુનીદ્રા એડોસર્મેન્ટ આયુર્વેદીક સીરપ, સ્ટોન અરીષ્ઠા અસવ અરીષ્ઠા, ધત્ર અરીષ્ઠા, કાલ મેઘસ્વ અસવ અરી અરીષ્ઠા, સંગીત કાજુ અસવ અરીષ્ઠા, સંગીત ખજુર અસવ અરીષ્ઠા વગેરે બ્રાન્ડની આયુર્વેદીક સીરપની બોટલોનું હાલ વેચાણ થતું હતું. જે પોલીસે કબ્જે લીધી છે.

આ સમાચારને શેર કરો