વડોદરા પોલીસની ‘પરેડ’ પદ્ધતિ સામે હાઈકોર્ટમાં મોરચો: રિકન્સ્ટ્રક્શનના નામે કાયદો હાથમાં લેનાર પોલીસકર્મીઓ સામે કન્ટેમ્પ્ટ!
આરોપી સાબિત થયા પહેલા જાહેર અપમાન એ લોકશાહીનું અપમાન: સુપ્રીમ કોર્ટના આદેશોના ઉલ્લંઘન બદલ ૫ અરજદારોની અદાલતી અવમાનનાની અરજી!
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં વડોદરાના પાંચ અરજદારોએ પોલીસ વિરુદ્ધ કરેલી ‘કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ’ની અરજીએ રાજ્યના પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. તપાસ અને ‘રિકન્સ્ટ્રક્શન’ના નામે આરોપીઓની જાહેર પરેડ કરાવવાની પોલીસની રીત-રસમ સામે અદાલતે કડક વલણ અખત્યાર કર્યું છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે, પોલીસ ગમે તેવા આક્ષેપ હોય તો પણ કાયદો હાથમાં લઈ શકે નહીં.
ઓગસ્ટ ૨૦૨૫માં વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાના બનાવમાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે આ પાંચેય વ્યક્તિઓની ૧.૫ કિલોમીટર લાંબી જાહેર પરેડ કરાવી હતી. આ ઘટનાના વીડિયો અને વિગતો પોલીસની સત્તાવાર વેબસાઈટ પર પણ મૂકવામાં આવી હતી, જેની સામે હવે કાયદાકીય જંગ છેડાયો છે.
હાઈકોર્ટમાં રજૂ થયેલી ગંભીર દલીલો:
અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, પોલીસે તપાસના બહાને માત્ર શારીરિક જ નહીં પણ માનસિક શોષણ કર્યું છે. ભીડ વચ્ચે પરેડ કરાવીને બળજબરીપૂર્વક માફી મંગાવવી એ બંધારણીય અધિકારોનું હનન છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં પોલીસ ‘ઓન ધ સ્પોટ’ ન્યાય કરવાની પદ્ધતિ અપનાવી રહી છે તે અત્યંત જોખમી છે.
રાજકીય આશીર્વાદ હોવાના આક્ષેપ:
અરજદારોએ કોર્ટમાં એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, વર્ષ ૨૦૨૧થી પોલીસની આ પ્રકારની કામગીરીમાં વધારો થયો છે. પોલીસને ઉચ્ચ રાજકીય પદો પરથી આવી પ્રેરણા મળી રહી હોય તેવું જણાય છે. પુરાવા તરીકે અરજદારોએ ત્રણ સીડી (CD) પણ કોર્ટમાં રજૂ કરી છે, જેમાં પોલીસની અમાનવીય પદ્ધતિઓના દ્રશ્યો હોવાનું કહેવાય છે.
અદાલતનું મહત્વનું અવલોકન:
સમગ્ર મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે, “ગુનાનું રિકન્સ્ટ્રક્શન એ માત્ર તપાસનો ભાગ છે, તેની કોઈ એવિડેન્શિયલ વેલ્યુ (પુરાવા તરીકેની કિંમત) હોતી નથી.” અવારનવાર સમાચાર પત્રોમાં પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની ઘટનાઓ સામે અદાલતે ચિંતા વ્યક્ત કરી છે. ચાણસ્મામાં ૧૯ લોકોને ઢોર માર માર્યાનો કિસ્સો પણ આ દરમિયાન ચર્ચામાં રહ્યો હતો.

