વાંકાનેર

પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જૂન માસના મેલેરિયા વિરોધી માસની ઉજવણી


મોરબી: જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવાના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મેલેરિયાથી બચવાના ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી. કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વી. કે. કારોલીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરિફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડૉ. તનવીર શેરસિયા તેમજ સુપરવાઇઝર સલીમભાઈ પીપરવાડિયાના નેતૃત્વમાં આ કાર્યક્રમો યોજાયા હતા.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોમાં મેલેરિયા નિર્મૂલન માટે શું કરવું અને શું ન કરવું તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોરા અને ગપ્પી માછલીનું નિદર્શન કરાવી મચ્છરના પ્રજનનને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. ગ્રામજનોને માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

મેલેરિયાની અટકાયત માટે શાળાઓમાં પણ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓને મેલેરિયાના કારણો, લક્ષણો, બચાવના ઉપાયો અને સ્વચ્છતાના મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મેલેરિયા માદા એનોફિલીસ મચ્છર દ્વારા ફેલાય છે. આ મચ્છર સામાન્ય રીતે ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઈંડા મૂકે છે અને સાંજ તેમજ રાત્રિના સમયે વધુ સક્રિય રહે છે. તેથી મેલેરિયાથી બચવા માટે લાંબી બાંયના કપડાં પહેરવા, ઘરમાં પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખવા અને તેની નિયમિત સફાઈ કરવા, નકામા ટાયર તથા ભંગારનો ચોમાસા પહેલાં નિકાલ કરવા તેમજ દવાયુક્ત મચ્છરદાની, મચ્છર વિરોધી ક્રીમ અને લીમડાના ધુમાડાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સરકારી દવાખાનાઓમાં મેલેરિયાનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. મેલેરિયા મુક્ત સમાજના લક્ષ્યને સાકાર કરવા માટે આરોગ્ય વિભાગે જનસહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવી સહયોગની અપીલ કરી છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજની આરોગ્ય ટીમે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી.

આ સમાચારને શેર કરો