ધોરણ-5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું
મોરબી: મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી-મોરબી દ્વારા ‘વિદ્યાર્થી સન્માન સમારોહ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન ધોરણ-5થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહના પ્રારંભે રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. મનસુરભાઈ હાજીઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર), ડો. ફેઝાનભાઈ ખાલિદભાઈ ઠાસરીયા (M.S. ઓર્થોપેડિક), ડો. સમીર સલીમભાઈ હેરંજા (B.A.M.S.), કહેકશાબેન ઈરફાનભાઈ ઠાસરીયા (રજીસ્ટ્રાર પ્રિન્સિપાલ, સિનિયર સિવિલ કોર્ટ) તેમજ ડો. સુહાનાબેન ફિરોઝભાઈ કડીવાર (B.A.M.S.) ઉપસ્થિત રહ્યા હતા.
આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે માર્ગદર્શન આપી અભ્યાસ તથા કારકિર્દી સંબંધિત વિવિધ બાબતોની માહિતી આપી હતી. આ પ્રસંગે મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષસ્થાને સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટીના સભ્યો તેમજ સમાજના આગેવાનોએ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવવા માટે કામગીરી કરી હતી. શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ સમાજના દાતાઓનો પણ કાર્યક્રમમાં સહયોગ રહ્યો હતો.
સમારોહના અંતે આમંત્રિત મહેમાનો, તમામ આગેવાનો, શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ સહયોગી દાતાઓનો આભાર રિલીફ કમિટીના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈનો રફીકભાઈ પીલુડિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

