રાજકોટના પીજીવીસીએલના ઈજનેરનું યુવતી પર દુષ્કર્મ
➡️ તું પછાત વર્ગની છો, તારી સાથે લગ્ન નથી કરવા: 6 વર્ષ સુધી હવસ સંતોષી અંકિત અગ્રાવતે દગો દીધો, ગાંધીગ્રામ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
રાજકોટમાં પીજીવીસીએલ ઈજનેરે યુવતી સગીર વયની હતી ત્યારથી છ વર્ષ સુધી લગ્નની લાલચ આપી લીવઈન કરાર કરી સાથે રહી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી બાદમાં તારી સાથે લગ્ન નથી કરવા કહી ઈજનેરે યુવતીને તરછોડી દેતા યુવતીએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે રેલનગર વિસ્તારમાં રહેતી એક 23 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પીજીવીસીએલમાં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવતા અંકીત હરકીશન અગ્રાવત (રહે.સુંદરમ સીટી એપાર્ટમેન્ટ, મોરબી બાયપાસ રોડ)નું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે આરોપી વિરૂધ્ધ આઈપીસી 376 (2) (એન) 4,6 તથા એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદી યુવતીએ જણાવ્યું હતું કે, તે સગીર વયની હતી ત્યારથી આરોપી સાથે સંપર્કમાં આવી હતી અને બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા બાદ આરોપીએ અવાર નવાર યુવતીની મરજી વિરૂધ્ધ સબંધ બાંધ્યા હતા. તેમજ અવાર નવાર લગ્ન કરવાની લાલચ આપી હતી. જે બાદ ફરીયાદી પુખ્ત વયની થતા તેની સાથે લીવ-ઈન રીલેશનશીપનો કરાર કરી છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતો હતો અને ફરીયાદીને આરોપી તેના મોરબી રોડ પર આવેલ સુંદરમ સીટી એપાર્ટમેન્ટના ફલેટમાં તેમજ અલગ અલગ સ્થળોએ લઈ જઈ છેલ્લા વર્ષ 2017ના ઓકટોબર મહીનાથી છ વર્ષથી ફરીયાદીની મરજી વિરૂધ્દ દુષ્કર્મ આચરતો હતો.
આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ફરીયાદીને પોતાના ઘરે સાથે રાખી દેહ અભડાવતો હતો. બાદમાં યુવતીએ હવે આપણે સાથે રહી છીએ તેને છ વર્ષ થઈ ગયા છે. માટે હવે લગ્ન કરી લેવાનું કહેતા આરોપીએ તું પછાત વર્ગમાંથી આવે છે માટે તારી સાથે લગ્ન નથી કરવા કહી યુવતીને તરછોડી દેતા યુવતીને માઠું લાગી આવતા ગઈકાલે તે આરોપીના ઘરે તેને મળવા માટે ગઈ હતી.
ફરીવાર લગ્નની વાત કરતા આરોપીએ તેને લગ્નની ના પાહતા યુવતીએ તેની સામે જ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવતીને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી એસીપી ભાર્ગવ પંડયાએ તપાસ હાથ ધરી છે.

