પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ ભાજપનાં કેટલાક નેતાઓ થયા કોરોના સંક્રમિત
રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેના પુત્ર અંશનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને પિતા-પુત્રને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે બાદ અભયભાઈ ભારદ્વાજ અને તેના પુત્રના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિઓની યાદી બનાવવામાં આવી હતી જે યાદીમાં તેમના નિકટના પરિવારજનો તેમજ અભયભાઈ ભારદ્વાજની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તમામનો કોરોના વાઇરસનો રિપોર્ટ કરવામાં આવતા અભયભાઈ ભારદ્વાજની ઓફિસના 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાનું ખૂલ્યું છે. જે 8 કર્મચારીઓમાં અભયભાઈ ભારદ્વાજના ડ્રાઇવર તેમજ તેમનો પર્સનલ આસિસ્ટન્ટનો પણ સમાવેશ થાય છે.
બીજી તરફ તંત્ર દ્વારા અભયભાઈ ભારદ્વાજના નજીકના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ટેસ્ટમાં તેમના ધર્મપત્ની અલકાબેન ભારદ્વાજ તેમજ તેમના જમાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે અભયભાઈ ભારદ્વાજના ધર્મપત્ની અલકાબેન ભારદ્વાજ હાલ દાખલ થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ માત્ર અઢી દિવસના ગાળામાં જ અભયભાઈ ભારદ્વાજ તેમજ તેમના પરિવાર સાથે સંકળાયેલા કુલ 12 જેટલા વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા હોવાનું ખૂલ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના મેયર બીનાબેન આચાર્ય પણ હાલ હોમ ક્વૉરન્ટીન થયા છે. કારણ કે, તેમના પતિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ, રાજકોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને તેમના ભાઈ પણ કોરોના સંક્રમિત હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 20મી તેમજ 21મી ઓગસ્ટના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે હતા. ત્યારે તેમની મુલાકાત દરમિયાન 20મી ઓગસ્ટના રોજ ગોંડલ ચોકડી ખાતે મહિલા કાર્યકર્તાઓ દ્વારા ગરબા લેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા બાઈક તેમજ કાર રેલીમાં પણ જોડાયા હતા.
ભલે, સી.આર.પાટીલ પોતાના મીડિયા ઇન્ટરવ્યૂમાં રાજકોટમાં થયેલ રેલીને રેલી ન ગણતા હોય. પોતે જે કારમાં ઉભા હતા તે કારમાં 10 વ્યક્તિઓની જગ્યાએ માત્ર ત્રણ જ વ્યક્તિઓ બતાવતા હોય પરંતુ રેલી બાદ માર્ચ મહિના પછી પ્રથમ વખત રાજકોટ શહેર સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, સાંસદ સહિતના કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.