બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે ઓગસ્ટની શરૂઆતમાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત માટે આગામી 48 કલાક ‘સુપર રેડ એલર્ટ’ જાહેર કરાયું છે, જ્યારે 19 જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે.
Paresh Goswami Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેના પગલે ઓગસ્ટની શરૂઆતમાં જ મેઘરાજા ફરીથી રાજ્યને ઘમરોળવા સજ્જ થઈ ગયા છે. ખાસ કરીને સુરત શહેર માટે આવનારા 48 કલાક અત્યંત ભારે ગણી શકાય. જ્યાં ભારે વરસાદના પગલે જળતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સુરત સહિત ગુજરાતભરના 19 જિલ્લા એવા છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં છે અને તે આગળ વધીને હાલ મહારાષ્ટ્રના વિદર્ભ સુધી પહોંચી ચૂકી છે. આ સિસ્ટમના આઉટર ક્લાઉડ્સ આજે સવારથી જ દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા રાજ્યના ભાગો સુધી પહોંચી જતાં ત્યાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.
2 ઓગસ્ટ સુધી સુરત માટે ‘સુપર રેડ એલર્ટ’
આગામી 48 કલાક એટલે કે 2 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ધરખમ વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને સુરત જિલ્લા માટે ‘સુપર રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વલસાડ, વાપી, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ વરસાદી સિસ્ટમ રાજપીપળા અને ડાંગ વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર થઈને પાકિસ્તાનના સિંધ પ્રાંત તરફ આગળ વધી રહી છે. જેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે. ખાસ કરીને ભરૂચ, સુરત, નર્મદા, વાપી, નવસારી, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલી, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
અત્યાર સુધી વરસાદની અછત અનુભવતા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો માટે આ રાઉન્ડ રાહત લઈને આવશે. હકીકતમાં વરસાદી સિસ્ટમ દક્ષિણ તરફ સરકવાના કારણે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.
આ સિવાય રાજકોટ, જામનગર અને ગીર સોમનાથમાં પણ સારો વરસાદ નોંધાશે. જ્યારે દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાઓમાં 2 થી 4 ઈંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. આવી જ રીતે કચ્છના પણ તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
આવી જ રીતે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને વડોદરામાં પણ ભારે વરસાદના સ્પેલ જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જેવા જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે.
