ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા; ‘સતની ચોરી’ ખાતે સહજીવન જીવતા દંપતિઓ ગુરુજીની સાક્ષીમાં ફેરા ફરી સંબંધને સામાજિક સ્વીકૃતિ આપે છે
ટંકારા તાલુકાના હડમતિયા ગામ નજીક આવેલી આશરે ૩૦૦ વર્ષ જૂની પવિત્ર પાલણપીરની જગ્યાએ મેઘવાળ સમાજના પરંપરાગત ત્રિદિવસીય લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો છે. દર વર્ષે ભાદરવા માસમાં યોજાતા આ મેળામાં દર્શન અને ધાર્મિક વિધિ માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
હડમતિયા નજીક આવેલી પાલણપીરની જગ્યાએ ભાદરવા વદ નોમ, દશમ અને અગિયારસ એમ ત્રણ દિવસ સુધી મેળો ભરાય છે. ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ આ સ્થળનું વિશેષ મહત્વ હોવાથી મેઘવાળ સમાજના હજારો ભાવિકો શ્રદ્ધાભેર અહીં પહોંચે છે.
મેળામાં આવતા શ્રદ્ધાળુઓ પોતાના રાવટી-મંડપોમાં સમૂહમાં રસોઈ તૈયાર કરે છે અને ત્યારબાદ તેને ‘ગુરુના મહાપ્રસાદ’ તરીકે સમૂહભોજનમાં ગ્રહણ કરે છે. આ દરમિયાન ગુરુઓ દ્વારા મંત્રોચ્ચાર, આહૂતિ અને મહાઆરતી સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે.
મેળાની સૌથી વિશિષ્ટ પરંપરાઓમાંની એક ‘સતની ચોરી’ ખાતે યોજાતી લગ્નવિધિ છે. સમાજમાં લગ્નગ્રંથિથી જોડાયા વગર અથવા ધાર્મિક વિધિ વિના સહજીવન જીવતા દંપતિઓ અહીં આવીને ગુરુજીની સાક્ષીમાં વિધિવત ફેરા ફરે છે.
યુવાનો ઉપરાંત આશરે ૮૦ વર્ષ સુધીની ઉંમરના દંપતિઓ પણ પરસ્પર સંમતિથી ‘સતની ચોરી’ ખાતે શાસ્ત્રોક્ત અને સામાજિક વિધિ મુજબ ફેરા ફરી પોતાના સંબંધને સામાજિક સ્વીકૃતિ આપે છે. આ પરંપરા મેળાની એક આગવી સામાજિક વિશેષતા બની છે.
પહેલા શ્રદ્ધાળુઓ પોતાનું સીધું-સામાન લઈને આવતા અને ત્રણેય દિવસ જાતે રસોઈ બનાવીને ભોજન કરતા હતા. તે સમયે મેળાના સ્થળે લાઈટની વ્યવસ્થા પણ ન હોવાથી દીવા-બત્તીનો સહારો લેવાતો હતો. જોકે સમય સાથે વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે અને હવે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાસ્તા-પાણી તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
મેળામાં શ્રદ્ધાળુઓ ઉપરાંત બાળકો અને પરિવારો માટે રમકડાં, ખાણીપીણીના સ્ટોલ તેમજ નાની ચકડોળ સહિતની મનોરંજનની વ્યવસ્થા પણ જોવા મળે છે. ત્રણ દિવસ દરમિયાન આ મેળામાં અંદાજે ૬૦થી ૭૦ હજાર જેટલા લોકો ઉમટી પડતા હોવાનું જણાવાય છે.
આ મેળા સાથે અનેક શ્રદ્ધા અને માન્યતાઓ પણ જોડાયેલી છે. રાજકોટના જે.ડી. દાફડા છેલ્લા ૪૫ વર્ષથી સાઇકલ લઈને પાલણપીરની જગ્યાએ દર્શન કરવા પહોંચે છે અને તેઓ આ પ્રાચીન જગ્યાનું ભારે ધાર્મિક મહાત્મ્ય વર્ણવે છે.
લોકવાયકા અને શ્રદ્ધા મુજબ કેટલાક ભાવિકો શારીરિક કષ્ટ વેઠીને ૨૧ દિવસના નકોરડા ઉપવાસ પૂર્ણ કર્યા બાદ મેળામાં દર્શન કરવા પહોંચે છે. પાલણપીરની પવિત્ર જગ્યામાં આવેલી પવન પાવડી નદી તથા કપુરીયા કુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાનું પણ ભાવિકો માટે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે.
આમ, હડમતિયા ગામ નજીક યોજાતો પાલણપીરનો ત્રિદિવસીય લોકમેળો ધાર્મિક આસ્થા સાથે સામાજિક પરંપરા, સમૂહભાવના અને લોકસંસ્કૃતિનું અનોખું સંગમ બની રહ્યો છે.
