EMT હિતેશ ઝાપડા અને પાયલોટ રવિ દેવમુરારીની સમયસૂચકતા અને કામગીરીથી માતા-બાળકને સલામત હોસ્પિટલ પહોંચાડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાજ ગામના વાડી વિસ્તારમાં પ્રસૂતિની પીડા ઉપડતાં 23 વર્ષીય મનિષાબેન રાજુભાઈ માટે વાંકાનેર 108 એમ્બ્યુલન્સને રાત્રે 2:42 વાગ્યે કેસ મળ્યો હતો. જાણ મળતા જ 108ની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રસૂતાને લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ હતી.
દરમિયાન પાજ ગામની સરકારી શાળા પાસે પહોંચતા મનિષાબેનને પ્રસૂતિની સ્થિતિ સર્જાતા રસ્તામાં જ ડિલિવરી કરાવવી જરૂરી બની હતી. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 108ના EMT હિતેશ ઝાપડા અને પાયલોટ રવિ દેવમુરારીએ એમ્બ્યુલન્સમાં જ કાળજીપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ERCP ડૉ. મયુર સરના માર્ગદર્શન હેઠળ જરૂરી સારવાર અને તબીબી પ્રક્રિયા કરવામાં આવી હતી. સફળતાપૂર્વક પ્રસૂતિ બાદ માતા અને બાળક બંનેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સલામત અને તંદુરસ્ત સ્થિતિમાં પહોંચાડવામાં આવ્યા હતા.
સમયસર મળેલી મદદ, 108ની ટીમની સતર્કતા અને પ્રસૂતિ દરમિયાન દર્શાવેલી કામગીરીને કારણે માતા અને નવજાત બાળકને યોગ્ય સારવાર મળી શકી હતી.

