વાંકાનેરના પાડધરા ગામે જૂના ખાર રાખી યુવાન અને તેના મિત્રો પર 7 શખ્સોનો હુમલો

જૂના અકસ્માત કેસમાં સમાધાન ન થવા દેવાનો ખાર રાખી લાકડીઓ વડે હુમલો; યુવાનને હાથમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ

વાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે ઠાકર ટી સ્ટોલ પાસે બેઠેલા યુવાન અને તેના મિત્રો પર જૂના અકસ્માત કેસમાં સમાધાન ન થવા દેવાના ખાર રાખીને 7 શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં યુવાનને હાથમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મળતી વિગતો મુજબ, પાડધરા ગામે ઠાકર ટી સ્ટોલ પાસે કિશનભાઈ બાવળીયા પોતાના મિત્રો સાથે બેઠા હતા. દરમિયાન જૂના અકસ્માતના કેસમાં સમાધાન ન થવા દેવા બાબતે ખાર રાખીને જેતપરડા ગામના જયેશ સરૈયા, હીરાભાઈ, માંડણભાઈ, મનિષભાઈ, લાલભાઈ તેમજ સ્કોર્પિયો કારમાં આવેલા અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા.

આ શખ્સોએ કિશનભાઈ બાવળીયા સાથે બોલાચાલી કર્યા બાદ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. દરમિયાન કિશનભાઈના મિત્રો સનાભાઈ અને રાયધનભાઈ વચ્ચે પડતા હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.

હુમલામાં કિશનભાઈને જમણા હાથમાં ફ્રેક્ચર તેમજ શરીરના અન્ય ભાગે મુંઢ ઈજાઓ થઈ હતી. અન્ય બંને મિત્રોને પણ ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે ભોગ બનનાર કિશનભાઈ બાવળીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કુલ 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on