મેઘસવારીએ લીધો વળાંક! હવે સાંજે સૌરાષ્ટ્રનો વારો, 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજે સવારથી જ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળ્યું હતું, આજે બપોરે 4 વાગ્યા સુધીની આગાહીમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હતું. જોકે, બપોર બાદ વરસાદનું ચિત્ર બદલાયું છે. કેમ કે, હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આજે ગુરુવારે સાંજના 7 વાગ્યા સુધીની આગાહીમાં હવે સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીની હવામાન વિભાગની આગાહીમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં હળવી ગાજવીજ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે. સાથે જ મધ્યમ વરસાદની આગાહી છે. આજે સાંજે 7 વાગ્યા સુધી મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના 33 જિલ્લામાંથી સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં હળવા વરસાદની આગાહી છે. નોંધનીય છે કે, આજે બપોરે 4 વાગ્યા સુધી 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હતું. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ હતું.

