ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય અને હાજ કમિટી ઓફ ઇન્ડિયાએ હજ-2027 (1448 હિજરી) માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. હજ યાત્રા માટે ઇચ્છુક અરજદારો 22 જૂન, 2026થી 20 જુલાઈ, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
અરજદારો હાજ કમિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ અથવા HAJ SUVIDHA મોબાઇલ એપ્લિકેશન દ્વારા અરજી કરી શકશે. અરજીઓ પૂર્ણ થયા બાદ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ડિજિટલ રેન્ડમ સિલેક્શન (કુર્રા) પ્રક્રિયા હાથ ધરાશે.
કુર્રા (Digital Random Selection)માં પસંદગી પામનાર દરેક હાજીએ 10 ઓગસ્ટ, 2026 સુધીમાં રૂ. 1,52,300ની એડવાન્સ રકમ જમા કરાવવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈપણ પ્રકારનો સમયવધારો કે છૂટછાટ આપવામાં આવશે નહીં હોવાનું હાજ કમિટીએ સ્પષ્ટ કર્યું છે.
અરજી સાથે મશીન રીડેબલ ભારતીય પાસપોર્ટ (31 ડિસેમ્બર, 2027 સુધી માન્ય), સફેદ બેકગ્રાઉન્ડવાળો પાસપોર્ટ સાઇઝ ફોટો, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક તેમજ સરનામાનો પુરાવો સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે.
હાજ કમિટી ઓફ ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું છે કે હજ સીટ રદ કરવાનું નિરોત્સાહિત કરવામાં આવે છે. સીટ રદ કરવાથી કામગીરીમાં વિક્ષેપ સર્જાય છે અને હજ-2027ની માર્ગદર્શિકા મુજબ દંડ પણ થઈ શકે છે. તેથી સંપૂર્ણ તૈયારી અને દૃઢ નિશ્ચય સાથે જ અરજી કરવા અરજદારોને અપીલ કરવામાં આવી છે.
