કુવાડવા ચોકડી પાસેથી 4.95 લાખના ગાંજા સાથે બિહારી શખ્સ ઝડપાયો
રાજકોટ: શહેરની ભાગોળે આવેલ કુવાડવા ચોકડી ખાતેથી એસઓજીની ટીમે રૂ. 4.95 લાખનો 9.900 કિલોગ્રામ ગાંજા સાથે બિહારી શખ્સની ધરપકડ કરી હતી. ચોથીવાર ગાંજાનો જથ્થો વતનથી લાવી મોહમદ નામના રિસીવરને ડિલિવરી આપે તે પૂર્વે પોલીસે સપ્લાયરની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રિસીવરની શોધખોળ હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા શહેરી વિસ્તારમાં યુવા ધનને નશાના રવાડે ચડતા અટકાવવા તથા નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવા ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત પેડલર-એડિકટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ એન બી ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઇ વી વી ધ્રાંગુ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.
ત્યારે સાથેના એએસઆઇ ફિરોજભાઈ રાઠોડ અને ઇન્દ્રસિંહ જાડેજાને પાસવાન નામનો શખ્સ અમદાવાદ હાઈવે પર કુવાડવા ચોકડી નજીક ગાંજાના જથ્થા સાથે આવનાર છે, જે મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે કુવાડવા ચોકડી નજીક દોડી જઈ વોચ ગોઠવી હતી.
દરમિયાન ઉપેન્દ્ર પાસવાન નામનો શખ્સ કુવાડવા ચોકડી ખાતે પહોંચતા તેને કોર્ડન કરી અંગજડતી કરતા તેની પાસેથી રૂ. 4.95 લાખની કિંમતનો 9.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
જેથી એસઓજીની ટીમે ગાંજો, મોબાઈલ, રોકડ મળી કુલ રૂ. 5,00, 520 નો મુદ્દામાલ કબજે કરી ઉપેન્દ્ર બહાદુરરામ પાસવાન (ઉવ 35 રહે. ભોજપુર, બિહાર)ની ધરપકડ કરી હતી. ઝડપાયેલ શખ્સે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબુલાત આપી હતી કે, તે ચોથી વાર ગાંજાની ખેપ મારીને અહીં રાજકોટ ખાતે મહમદ નામના શખ્સને આપવા આવ્યો હતો. જેથી પોલીસે હવે રીસીવર મહંમદની શોધખોળ આદરી છે.


