વાંકાનેર: જુના ધમલપરના પાટિયા પાસે ઈકો કારમાંથી 100 લિટર દેશી દારૂ ઝડપાયો

કાર અને દેશી દારૂ મળી કુલ રૂ. 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ જ્યારે એક આરોપી વોન્ટેડ

વાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન લુણસરી ગામની સીમમાં જુના ધમલપરના પાટિયા પાસેથી એક ઈકો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો આપનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સિટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જુના ધમલપરના પાટિયા પાસે ગ્રે કલરની ઈકો કાર નંબર GJ-03-LM-2972 શંકાસ્પદ જણાતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી.

પોલીસે કારના પાછળના ભાગે રાખેલા બે પ્લાસ્ટિકના બાચકાઓની તલાશી લેતા તેમાં 5-5 લીટરની ક્ષમતાવાળા કુલ 20 પ્લાસ્ટિકના બુંગીયા મળી આવ્યા હતા. જેમાં કુલ 100 લીટર દેશી દારૂ ભરેલો હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે પોલીસે ઈકો કારના ચાલક અશોક ઉર્ફે ગઢીયો જેસિંગભાઈ ખાંભલા (ઉ.વ. 50, રહે. શક્તિપરા, શનપર, તા. વાંકાનેર)ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન અશોક ખાંભલાએ આ દેશી દારૂ મોરથળા ગામ, તા. થાનગઢના ડાયાભાઈ હેમુભાઈ રાઠોડ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે 100 લીટર દેશી દારૂની અંદાજિત કિંમત રૂ. 20,000 તથા ઈકો કારની કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 2,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વાંકાનેર સિટી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અશોક ખાંભલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ડાયાભાઈ રાઠોડને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#વાંકાનેર #દારૂઝડપાયો #WankanerPolice #દેશીદારૂ #PoliceAction #મોરબી #MorbiNews #KaptaanNews

આ સમાચાર શેર કરો

Follow Us on