હવે તો હદ થઈ ગઈ: ૭૮૦ અધ્યાપકોની ભરતીમાં મેરિટનો મૃત્યુઘંટ વાગી જાય તેવા સરકારે કર્યા ફેરફાર…

ગુજરાત સરકાર હસ્તકની આર્ટ્સ, કોમર્સ, સાયન્સ,હોમ સાયન્સ, કાયદા, ગ્રામ વિદ્યાશાખા, એજ્યુકેશન સહિતની વિવિધ ગ્રાન્ટેડ કોલેજોમાં લાંબા સમયથી ખાલી પડેલી ૭૮૦ અધ્યાપકોની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. અગાઉ આ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં છેલ્લી ઘડીએ તેમાં ફેરફાર કરીને મેરિટનો મૃત્યુઘંટ વાગી જાય તેવા પગલાં લેવાતા શિક્ષણ જગતમાં આ મુદ્દે ભારે ચર્ચા થઈ રહી છે.

જીપીએસસી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સહિતની રાષ્ટ્રીય સ્તરની જે તે કાઉન્સીલોઅને ઉચ્ચ સંસ્થાઓના નિયમો મુજબ અધ્યાપકોની લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ મૌખિક પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જે ઉમેદવારની મેરિટથી મુજબ પસંદગી કરવામાં આવે તેવા ઉમેદવારને જે કોલેજમાં જગ્યા ખાલી હોય ત્યાં એપોઇન્ટમેન્ટ માટેના ઓડર આપવામાં આવતા હોય છે. આ વખતે તે પદ્ધતિમાં ફેરફાર કરાયો છે અને હવે મેરીટના આધારે એક જગ્યા માટે છ ઉમેદવારો શોર્ટ લિસ્ટ કરીને જે તે કોલેજને મોકલવામાં આવશે અને કોલેજના સત્તાવાળાઓએ છમાંથી પોતાને અનુકૂળ લાગે તેવાં કોઈ એક ઉમેદવારની પસંદગી કરી તેને નિમણૂક આપી શકશે. અથવા તો છમાંથી કોઈની પણ પસંદગી કર્યા વગર નવા છ નામની પેનલ સરકાર પાસે મગાવી શકશે.

આ નવતર પદ્ધતિના કારણે ભ્રષ્ટાચાર, લાગવગશાહી વધશે તેવી આશંકા અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે.ભૂતકાળમાં કોલેજોમાં ભરતીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી અને હાલ તે સદંતર બંધ થઇ નથી. પરંતુ તેમાં ઘટાડો થયો છે. સરકાર આ નવી વ્યવસ્થા અમલમાં લાવીને ફરી લાગવગશાહી તથા ભ્રષ્ટાચારને ઉત્તેજન આપતી હોય તેવી છાપ ઉપસી રહી છે.

વ્યવસ્થામાં ફેરફાર બાબતે એવી વાત બહાર આવી રહી છે કે ૭૮૦ અધ્યાપક સહાયકોની ભરતીમાં અનામતના ધારાધોરણો જળવાતા નથી અને ગુણાંકન પદ્ધતિ ના કારણે રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને સહન કરવાનો વારો આવે છે તેવી રજૂઆત વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા રાજ્યપાલ સમક્ષ કરવામાં આવી હતી. દરેક ગ્રાન્ટેડ કોલેજના અલગ-અલગ રોસ્ટર હોવાના કારણે અનામત કેટેગરીના વિધ્યાર્થીઓને અન્યાય થાય છે અને તેથી એક કેડર એક એકમ ગણીત અનામત નીતિ લાગુ પાડવી જોઈએ એવી રજૂઆત હતી. રજૂઆતનો ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્વીકાર કર્યોછે. પરંતુ તમામ કોલેજ માટે અનામત અને રોસ્ટરનું એક કેડર બનાવવા માટે જે મહેનત કરવી પડે તે કરવાના બદલે છ ઉમેદવારના નામની પેનલ કોલેજને મોકલી દેવાનો નિર્ણય કરાયો છે.

૧ ડિસેમ્બરથી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું શરૂ થયું છે અને આગામી તારીખ ૨૧ સુધી તે ચાલુ રહેશે. અનામત સંદર્ભે કરવામાં આવેલી રજૂઆત બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગના સત્તાવાળાઓએ અનુસ્નાતક મૂલ્યાંકનમાં પણ મોટો ફેરફાર કરીને તેની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ અનુસ્નાતક કક્ષાએ ૫૫ થી ૬૦ ટકા ગુણના બદલે એસ.સી,એસ.ટી, ઓબીસી, નોન ક્રિમિલેયર અને શારીરિક ખોડખાપણવાળા ઉમેદવારોના કિસ્સામાં ૫૦થી ૬૦ ટકા નું ધોરણ અપનાવવામાં આવ્યું છે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •