રાજકોટ: ચાલુ રાષ્ટ્રગાન અટકાવવા મામલે પોલીસ કમિશ્નરને નોટિસ મળી
15મી ઓગષ્ટે ધ્વજવંદન કાર્યક્રમ અટકાવી તિરંગો આંચકી લઇ પોલીસ કર્મીઓએ ‘આપ’ના કાર્યકરોની અટકાયત કરી હતી: 20 દિવસમાં અહેવાલ નહીં મોકલાવે તો આયોગ કાયદેસરની કાર્યવાહી કરશે : પોલીસ બેડામાં ખળભળાટ
રાજકોટ તા. 9 : ગત 15 ઓગષ્ટના રોજ ધ્વજ વંદન વખતે ચાલુ રાષ્ટ્રગાન દરમિયાન વચ્ચે અટકાવી પોલીસ કર્મીઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરાઇ હતી. આ સંદર્ભ પાર્ટીના પ્રદેશ આગેવાન યોગેશ જાદવાણીએ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં કસુરવારો સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવા પીટીશન દાખલ કરી હતી. જે સંદર્ભે આયોગ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને નોટિસ પાઠવી અહેવાલ મોકલવા આદેશ કરાયો છે.
આયોગે પોતાની નોટિસમાં જણાવ્યું છે કે તા. 16/8/2020ના રોજ મળેલી પીટીશન બાબતે આયોગ માનવ અધિકારી સંરક્ષણ અધિનિયમ-1993 ની કલમ-12 હેઠળ ચકાસણી કરી કલમ 18 મુજબ પગલા લેવાધારે છે. જેથી તા. 29/8/2020 ના રોજ આયોગે આદેશ કર્યો છે કે રાજકોટ પોલીસ કમિશ્નર પત્ર મળ્યાના 20 દિવસમાં તેની સહિ સાથેનો અહેવાલ આયોગને મોકલી આપે.
જો પોલીસ કમિશ્નર સમય મર્યાદામાં અહેવાલ મોકલવામાં નિષ્ફળ રહેશે તો આયોગ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. જેની નોંધ લેવા જણાવાયું છે. આ અંગે આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ શિવલાલભાઇ બારસીયાએ જણાવ્યું હતું કે પંચે કરેલી કાર્યવાહીથી સત્યની જીત થઇ છે.
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..