મોરબી

રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈજી નિર્લિપ્ત રાય મોરબીની મુલાકાતે

આઈજીએ મોરબીમાં એસપી, ડીવાયએસપી અને તમામ પોલીસ મથકના અધિકારીઓ સાથે યોજી મહત્વની બેઠક

મોરબી: તાજેતરમાં રાજકોટ રેન્જ આઈજી તરીકે નિયુક્ત થયેલા નિર્લિપ્ત રાય આજે મોરબીની મુલાકાતે આવ્યા છે. કડક અને બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયે મોરબી પહોંચીને જિલ્લાના એસપી, ડીવાયએસપી અને તમામ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી છે.

નિર્લિપ્ત રાય ગુજરાત કેડરના 2010ની બેચના આઈપીએસ અધિકારી છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં તેઓને રાજકોટ રેન્જ આઈજી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની ગણતરી રાજ્યના અત્યંત કડક અધિકારીઓમાં થાય છે. નિર્લિપ્ત રાયે અગાઉ અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) તરીકે 3 વર્ષ અને 10 મહિના સુધી ફરજ બજાવી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યારે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ બિટકોઈન કાંડમાં સંડોવાયા હતા, ત્યારે સરકારે નિર્લિપ્ત રાયને તાત્કાલિક અમરેલી મોકલ્યા હતા. અમરેલીમાં ચાર્જ સંભાળ્યા બાદ તેમણે માથાભારે તત્વો અને ખંડણીખોરો સામે આકરી કાર્યવાહી કરી જિલ્લામાં કાયદાનો ડર ઉભો કર્યો હતો.

અમરેલી બાદ તેમની નિમણૂક ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા (DIG) તરીકે કરવામાં આવી હતી. SMC માં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યભરમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓ પર આકરો સપાટો બોલાવ્યો હતો. બુટલેગરો અને તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે તેમણે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરી હતી, જેનાથી ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટો અંકુશ આવ્યો હતો. હવે રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળતા રેન્જના અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો