પેન્ટમાં પેસ્ટ: અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનો ‘નવો કિમીયો’ પકડાયો!
દુબઈથી આવેલો મુસાફર 492 ગ્રામ સોનાની પેસ્ટ સંતાડી લાવ્યો, કસ્ટમે ₹59.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
અમદાવાદના એરપોર્ટ પર સોનાની દાણચોરીની એક અભૂતપૂર્વ અને નવી તરકીબ સામે આવી છે. કસ્ટમ વિભાગે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને એક મુસાફર પાસેથી ₹59.70 લાખની કિંમતનું 492 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.
જીન્સના બે પડ વચ્ચે સંતાડેલી સોનાની પેસ્ટ સોનાની દાણચોરી માટે કેરિયરે અપનાવેલી મોડસ ઓપરેન્ડીએ કસ્ટમ અધિકારીઓને પણ ચોંકાવી દીધા હતા. મુસાફર સોનાને પાઉડર અને પેસ્ટ સ્વરૂપમાં રૂપાંતરિત કરીને તેને પોતાના પહેરેલા જીન્સના પેન્ટના નીચેના ભાગમાં, કાપડના બે પડ વચ્ચે કુશળતાપૂર્વક છુપાવીને લાવ્યો હતો.

દુબઈથી એમિરેટ્સ એરલાઈન્સની ફ્લાઈટમાં આવેલો આ મુસાફર મૂળ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે. DRI, અમદાવાદ દ્વારા મળેલી બાતમીના આધારે કસ્ટમ વિભાગે લગેજ અને વ્યક્તિગત તપાસ હાથ ધરી હતી, જેના કારણે આ સોનું ઝડપાયું હતું. કસ્ટમ વિભાગે કસ્ટમ્સ અધિનિયમ 1962 હેઠળ સોનું જપ્ત કરીને મુસાફરની ધરપકડ કરી છે. આ હાઈ-પ્રોફાઇલ દાણચોરીના કેસમાં હવે વધુ ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે આ રેકેટ પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે.


