વાંકાનેર

કાનપર અને દિઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર: શ્રી કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક સી. વી. રામન ની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં  “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજવામાં આવ્યું. જેમાં શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોએ વિવિધ પ્રયોગો, વિજ્ઞાનની કૃતિઓ, મોડેલો, નમૂનાઓ વગેરેનું નિદર્શન યોજ્યું હતું.

બાળકોએ વિવિધ પ્રયોગોમાં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, પાણીમાં ઉષ્માનું શોષણ ,રેતાળ અને માટીયાળ જમીનમાં ભેજ ધારણ શક્તિ, દહન માટે ઓક્સિજન જરૂરી છે, હવા જગ્યા રોકે છે,  દ્રષ્ટિ ભ્રમણ, પાણીમાં ઉષ્માનું શોષણ, ચુંબક ના પ્રકાર ,સોલાર કૂકર, ફિંગર પ્રિન્ટ, સમતલ અંતર્ગોળ -બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું પ્રતિબિંબ , ધ્વનિ, પેરિસ્કોપ, વાતાવરણમાં રહેલો ભેજની સમજ, રસોડાનું વિજ્ઞાન, ધ્રુજારીથી થતા અવાજો, ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ, સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ, રેતી – મીઠું અને પાણીનું અલગીકરણ, ધાતુમાં ઉષ્માનું વહન, ડુંગળીના કોષો , હવામાં ઉષ્માનું વહન, પ્રકાશનું પરાવર્તન , પ્રકાંડમાં પાણીનું વહન, પર્ણના પ્રકાર, ધાતુમાં વિસ્થાપન પ્રક્રિયા, ધાતુમાં ઉષ્માનું વહન, પદાર્થોની અવસ્થા, હાઈડ્રોજન વાયુની બનાવટ, પ્રકાશનું વક્રીભવન ,સાદા લોલક, મેગ્નેશિયમ પટ્ટીનું દહન, ચુંબકના ગુણધર્મો, વિદ્યુત ઘંટડી , વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થોની ચકાસણી, વિદ્યુત દ્વારા પાણી ગરમ કરવું ,ચંદ્રયાન મોડલ, પાણી ભરતો હિંચકો, ઉર્જા સંરક્ષણ, ઉચ્ચાલન, 3d પ્રિન્ટરની કૃતિઓ વગેરે પ્રયોગોનું નિદર્શન યોજી બાળકોએ ઊંડાણપૂર્વકનું જ્ઞાન સર્વેને આપ્યું.
કાનપર ગામના સમગ્ર ગ્રામજનો,  એસ.એમ.સી.ના સભ્યો પંચાયતના સદસ્યો વગેરે એ સવારે 12 કલાક થી 2: 30 કલાક સુધી પ્રદર્શન નિહાળ્યું. પ્રાર્થના સભામાં બાળકોએ સી.વી. રામનના જીવન વિશેની વિસ્તૃત ચર્ચાઓ કરી.

કાર્યક્રમના અંતે શાળાના બાળકોને સ્વરુચિ ભોજન પીરસવામાં આવ્યું. આમ આ દિવસ શાળા માટે “વિજ્ઞાન દિવસ” બની ગયો જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ સુસંગત થઈ વિજ્ઞાનના પાયાના નિયમો વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. વાલીઓએ ખૂબ રસપૂર્વક બાળકો દ્વારા રજુ થતા કથનને સાંભળતા હતા. ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા વાલીઓ ખૂબ વ્યસ્ત હતા. તેમ છતાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શિક્ષક તૌસિફભાઈ બાવરાએ જીવનમાં વિજ્ઞાનના મહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય શિક્ષક સતીશકુમાર સરડવાએ ભારતના મહાન વૈજ્ઞાનિક સર સી.વી. રામન અને રામન ઈફેક્ટ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. શિક્ષિકા બહેનો આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરસિયાએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકો વિશે માહિતી આપી હતી. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શનમાં વિજ્ઞાનના પ્રયોગો માટે ઉપયોગી સાધન સામગ્રી, વૈજ્ઞાનિકોની તસવીરનું પ્રદર્શન, ચાર્ટ, ચિત્રો વગેરેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે, વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ વધે, વિદ્યાર્થીઓ ભારતના મહાન વૈજ્ઞાનિક સર સી.વી. રામન અને રામન ઈફેક્ટ વિશે માહિતી મેળવે તે હેતુથી શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સી.આર.સી. કૉ.ઑ. શ્રી જગદીશભાઈ સબાડ સાહેબે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા બદલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચારને શેર કરો