Placeholder canvas

રાજકોટ:મહિલાના નામે ઇન્સ્ટાગ્રામમાં ફેઇક આઇ.ડી બનાવીને નગ્ન થઈ યુવતીને વીડિયો કોલ કર્યો અને પછી…

રાજકોટઃ છોકરીના નામે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેઇક આઇ.ડી. બનાવી, કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી, રીકવેસ્ટ એકસેપ્ટ થતા વીડીયો કોલ કરી નગ્ન હાલતમાં રહી છોકરી સાથેના વીડીયો કોલીંગના સ્ક્રીનશોટ પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો છે.

મળેલ વિગત મુજબ ગોંડલની યુવતીને થોડા દિવસો પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છોકરીના નામથી અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝરની ફોલો રીક્વેસ્ટ આવેલી જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની રીકવેસ્ટ એકસેપ્ટ કરતા બાદમાં સામેની વ્યક્તિએ સાથે ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરી યુવતીને વિશ્વાસમાં લઇ વીડિયો કોલીંગ કરી પરીચય મેળવવાનું કહ્યું હતું. જેથી યુવતીએ વીડીયો કોલ રીસીવ કરતા સામે કોઇ અજાણ્યો પુરુષ નગ્ન હાલતમાં હોય જે વીડિયો કોલ યુવતી કટ કરે તે પહેલા આરોપીએ પોતાના મોબાઇલમાં તેના સ્ક્રીનશોટ પાડી બાદમાં તે સ્ક્રીનશોટ યુવતીને મોકલી ફોટા વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી કરી હતી.

આ અંગે રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાતા રેન્જ આઈજી સંદિપસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે.રામની રાહબરીમાં પીએસઆઈ વી.બી.ચૌહાણ, એ.એસ.આઇ. જયદીપભાઇ અનડકટ, સિધ્ધરાજસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, ભૌમીકભાઇ સોસા, કુલદીપસિંહ ચુડાસમા તથા કોન્સ્ટેબલ શિવરાજભાઇ ખાચર, વીપુલભાઇ ગોહીલ વગેરે સ્ટાફે ડમી એકાઉન્ટનું ટેક્નિકલ એનાલીસીસ કરી તેમજ એનાલીસીસ આધારે મળેલી માહીતી તેમજ હયુમન ઇન્ટેલીજન્સથી આરોપી કીશન જેન્તીભાઇ ડાભી (રહે.વીરપુર જિ.રાજકોટ)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ રેન્જ વિસ્તારમાં જો અન્ય કોઇ સાથે પણ આ રીતે બનાવ બનેલ હોય તો અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો