સૌરાષ્ટ્ર

બામણબોર નજીક ગુંદાળા ગામની સીમમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી.

રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક ગુંદાળા ગામની સીમમાં વીડી વિસ્તારમાંથી આજે આશરે ૩૦ થી ૩૫ વર્ષની અજાણી મહિલાની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જાણ થતાં એરપોર્ટ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.

પોલીસ સુત્રોમાંથી મળેલ માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા ગુંદાળા ગામની સીમમાં વીડી વિસ્તારમાંથી સ્થાનિક રાહદારી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં જોતા તત્કાલ પોલીસને જાણ કરતાં એરપોર્ટ પોલીસના પીઆઇ જે.એસ. ગામીત સહિતનો સ્ટાફ અને ૧૦૮નો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. ૧૦૮ના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. પોલીસ તપાસ કરતા મૃતકને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયું ખુલતા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું કે, મૃતકે ગુલાબી કલરનું સ્વેટર, સફેદ કલરની ચુંદડી અને જીન્સનું પેન્ટ પહેર્યું છે. હાથ પર અંગ્રેજીમાં રૂપેશ ત્રોફાવેલું છે. મૃતકની ઓળખ મેળવવા સીસીટીવી ફુટેજ ચકાસવાનું શરૂ કરાયું છે. હાલ આ અંગે મોડી રાત્રે ગુનો દાખલ કરવા પોલીસે તજવીજ શરૂ કરી હતી.

આ સમાચારને શેર કરો